ગાંધીનગર- ભાજપે આગામી લોકસભાની ચૂંટણી તૈયારીઓ આદરી દીધી છે, જે હેઠળ ભાજપ અવનવા કાર્યક્રમો સાથે લોકોની વચ્ચે આવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે તા.28 ફેબ્રુઆરીના રોજ બપોરે 12/30 કલાકે “સંગઠન-સંવાદ” કાર્યક્રમમાં દેશભરનાં ભાજપના લાખો કાર્યકર્તાઓને 15000 સ્થાન મંડલ પર વિડીયો કોન્ફરન્સ દ્વારા સીધો સંવાદ કરશે. ગુજરાતમાં ગ્રામ્ય તાલુકા, શહેરીનગરમાં 414 સ્થાન અને 8 મહાનગરોમાં 37 વિધાનસભા સીટ પ્રમાણે કુલ 451 સ્થાન પર હજારો કાર્યકર્તાઓને “મેરા બૂથ-સબસે મજબૂત”અંગે માર્ગદર્શન આપશે.
આ અંગે માહિતી આપતા ભાજપના ગુજરાત પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે, આગામી લોકસભાની ચૂંટણી અન્વયે કેન્દ્રની યોજના મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરીના રોજ બપોરેઃ 12/30 કલાકે વીડિયો કોન્ફરન્સથી સમગ્ર દેશમાં 15000 સ્થાન મંડલ ઉપર ‘મેરા બૂથ સબ સે મજબૂત’ અંતર્ગત સમગ્ર દેશના લાખ ભાજપના કાર્યકર્તાઓ અને શુભેચ્છકો સાથે સીધો સંવાદ કરશે. જ્યારે ગુજરાત કુલ 451 સ્થાનોમાં જેમાં ગ્રામ્ય અને શહેરના 414 મંડલમાં અને મહાનગરમાં 37 વિધાનસભા સીટ ઉપર કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને વડાપ્રધાન દ્વારા આપવામાં આવનાર મેરા બૂથ સબ સે મજબૂત અંતર્ગત માર્ગદર્શન મેળવાશે.
કેન્દ્રીય યોજના મુજબ સમગ્ર ભારત દેશમાં ગત 26 ફેબ્રુ-19 ના રોજ, સાંજે 06/30 કલાકે દરેક બૂથમાં ‘કમલ જ્યોતિ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તે જ રીતે ગુજરાતની 162 નગરપાલિકોઓમાં એક જ સ્થાન ઉપર 100 થી 150 કમલ દીપ પ્રગટાવવામાં આવશે જયારે મહાનગરોમાં દરેક વિધાનસભા ક્ષેત્રમાં એક સ્થાન ઉપર 1500 જેટલા કમલ દીપ પ્રગટાવવામાં આવશે. જયારે ગુજરાતનાં 41 જીલ્લા/મહાનગરોમાં આવેલ તમામ મંડલોના બુથમાં આજ સમયે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓના ઘરે તેમજ કાર્યકર્તાઓના ઘરે કમલ દીપ પ્રગટાવવાનો કાર્યક્રમ યોજવામાં આવશે.
ગુજરાત ભાજપ પ્રદેશ લોકસભા પ્રભારી ઓમજી માથુર 26 ફેબ્રુઆરીથી 01 માર્ચ સુધી ગુજરાતના પ્રવાસે છે. તા.15 થી 20 ફેબ્રુ સુધીમાં દરેક જિલ્લામાં શક્તિ કેન્દ્રના વિસ્તારકો માટે અભ્યાસ વર્ગો પૂર્ણ થયાં છે. ઓમ માથુર તા.28મીએ જૂનાગઢ જિલ્લામાં બપોરે 12/30 કલાકે પીએમ નરેન્દ્રભાઈ મોદીના “સંગઠન-સંવાદ”વિડીયો કોન્ફરન્સ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે અને બપોરે 03/00 કલાકે જૂનાગઢ લોકસભાના કાર્યકર્તાઓની બેઠકમાં માર્ગદર્શન આપશે. તા.01લી માર્ચે સવારે અમરેલી અને બપોરે-ભાવનગર લોકસભામાં ઉપસ્થિત રહીને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે.
ભાજપના કેન્દ્રીય કાર્યક્રમોમાં “ભારત કે મન કી બાત-મોદી કે સાથ”, “મેરા પરીવાર-ભાજપા પરિવાર”, “સંપર્ક અભિયાન”, “કમળ જ્યોતિ” કાર્યક્રમો ઉપરાંત શહીદોને શ્રદ્ધાંજલિ અને ભારતીય વાયુ સેનાના સૈનિકોને વંદન અને અભિનંદન સાથેના કાર્યક્રમો પ્રજાની વચ્ચે, પ્રજાની પડખે રહીને ભાજપના કાર્યકર્તાઓ કરી રહ્યાં છે. હવે તા.02 માર્ચના રોજ ગુજરાતની 182 વિધાનસભામાં વિજ્ય સંકલ્પ બાઈક રેલી યોજાશે.