રાજ્યમાં ધમાકેદાર બેટિંગ બાદ ચોમાસું નબળું પડતું જોવા મળી રહ્યું છે. રાજ્યમાં ગણપતિ વિદાય સાથે ચોમાસાની વિદાયની પણ ઘડીઓ નજીક આવતી હોય તેવો આભાસ થઈ રહ્યો છે. ત્યારે પાછલા 24 કલાકમાં રાજ્યમાં માત્ર 6 જ તાલુકામાં મેઘરાજાએ હાજરી પુરવી હતી. જેમાં સૌથી વધુ જામનગરના જામજોધપુર તાલુકામાં એક ઈંચ વરસાદ નોંધાયો હતો. ત્યારે આજ સુધીમાં રાજ્યમાં સિઝનનો સરેરાશ 125 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં ચોમાસુ નબળું પડી રહ્યું છે, આ વચ્ચે હવામાન વિભાગી ચોમાસાને લઈ આગાહી વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટા પડી શકે છે. તેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદી ઝાપટાની આગાહી છે. ભેજવાળા વાતાવરણને લીધે સામાન્ય વરસાદી ઝાપટા આવશે. આ ઉપરાંત કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા સામાન્ય વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. ગુજરાતમાં હાલ ભારેથી અતિભારે વરસાદની શક્યતા નથી પરંતુ 22 અને 23 તારીખની આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધી શકે છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારો, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ થોડો વધે તેવી શક્યતા છે.
ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 125.07 ટકા વરસાદ વરસ્યો છે. સૌથી વધુ કચ્છમાં સિઝનનો 183.32 ટકા વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં સિઝનનો 129.74 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 129.37 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.. જ્યારે મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 121.11 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. તો ઉત્તર ગુજરાતમાં ચોમાસાની સિઝનનો 107.66 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.