ભવિષ્યમાં વરસાદી પાણીથી તારાજી ન સર્જાય તે માટે લોન્ગ ટર્મ પ્લાનિંગની ચર્ચા

ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ગવર્નિંગ કાઉન્સીલની બેઠક મળી હતી. આ બેઠકમાં વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના વરસાદી પાણી આવી જવાને કારણે સર્જાયેલી આફતના ઉપાય રૂપે લાંબાગાળાના પગલાંઓની ચર્ચા-વિચારણા કરવામાં  આવી હતી.

ભવિષ્યમાં વરસાદી આફતને કારણે વડોદરા શહેરમાં પાણી ભરાવાની વિપદા ન સર્જાય તે માટેનો લોન્ગટર્મ એકશન પ્લાન શહેરી વિકાસ વિભાગ અને સંબંધિત વિભાગો સાથે મળીને આ આપદા પ્રબંધન સંસ્થાન તૈયાર કરે તેવું મુખ્યપ્રધાને સૂચન કર્યુ હતું.  મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને મળેલી આ ગવર્નિંગ કાઉન્સીલની બેઠકમાં જી.આઇ.ડી.એમ દ્વારા ડિઝાસ્ટર રિસ્ક મેનેજમેન્ટ તથા પ્રિવેન્શન ઓફ ડિઝાસ્ટર્સ માટે કેપેસિટી બિલ્ડીંગના જે કાર્યો હાથ ધરાઇ રહ્યા છે તેની વિસ્તારથી ભૂમિકા આપવામાં આવી હતી.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ…  

વિજય રૂપાણીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ દ્વારા આપદા પ્રબંધન સાથો સાથ હવેના સમયની માંગ અનુરૂપ નાગપૂર ફાયર કોલેજ જેવા ફાયર ટ્રેનિંગ, રિસ્ક મેનેજમેન્ટના કોર્સીસ શરૂ થાય અને યુવાશકિતને તાલીમ અપાય તેવી હિમાયત પણ કરી હતી. ગાંધીનગર નજીક આકાર પામેલી ગિફટ સિટીનો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટ બનાવે છે તેની જાણકારી બેઠકમાં આપવામાં આવી હતી. મુખ્યપ્રધાને આ સંદર્ભમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો આવો ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન પણ જી.આઇ.ડી.એમ. તૈયાર કરે તેવું સૂચન પણ કર્યુ હતું.

ઉલ્લેખનીય છે કે, આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇન્સ્ટીટયૂટની સ્થાપના  રાજ્ય સરકારે કચ્છમાં ર૦૦૧માં થયેલા ભયાવહ ભૂકંપની તારાજી પછી આવી ત્રાસદીઓ સામે પ્રબંધનના હેતુસર ર૦૦૩માં ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ પસાર કરીને ર૦૧ર થી અલાયદી ઇન્સ્ટીટયૂટ તરીકે કરેલી છે. આ વર્ષે આ સંસ્થા દ્વારા ૧૦૩ જેટલા ટેકનોલોજી ડ્રિવન વિવિધ તાલીમ કાર્યક્રમો યોજાશે તેની પણ વિગતો ચર્ચવામાં આવી હતી.

જી.આઇ.ડી.એમ.ના રજૂ થયેલા પ્રેઝન્ટેશન દરમિયાન ડાયરેકટર જનરલ પી. કે. તનેજાએ વધુ વિગતો આપતાં કહ્યું કે, આ ઇન્સ્ટીટયૂટના સાર્ક ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર અંતર્ગત બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ જેવા સાર્ક રાષ્ટ્રોમાંથી ૩૮૩ તજ્જ્ઞો-તાલીમાર્થીઓએ ૧પ જેટલા કાર્યક્રમોમાં ભાગ લીધો છે.