નવી દિલ્હીઃ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રુપાણીએ વાયબ્રન્ટ સમિટ 2019ની પૂર્વ તૈયારી રુપે આજે સવારથી જ નવી દિલ્હી ખાતે ગ્લોબલ બિઝનેસ લીડર્સ અને રાજદૂતો સાથે વન ટુ વન બેઠકનો પ્રારંભ કર્યો છે. વન ટુ વન બેઠક શૃંખલામાં મારુતિ સુઝુકીના મેનેજિંગ ડિરેક્ટર કેનિચી અયુકાવાએ ગુજરાતમાં મારુતિ મોટર્સના નવા પ્લાન્ટ નાકાર્યારંભ અંગે પરામર્શ કર્યો હતો.
તેમણે ગુજરાતના સ્થાનિક યુવાનોને રોજગારી મળે તે માટે મારુતિ સુઝુકી આઇ.ટી.આઇમાં નવા તાલીમ અભ્યાસક્રમો શરૂ કરવાનું છે તેની પણ ચર્ચા કરી હતી. મારુતિ સુઝુકી ગુજરાતમાં આવનારા સમયમાં તેના ત્રીજા ફેઝના પ્લાન્ટની ઉત્પાદન કેપેસિટી બમણી એટલે કે 7.5 લાખ થી 15 લાખ કારની કરશે તે અંગે તેમણે મુખ્યપ્રધાન સાથે ચર્ચાઓ કરી હતી.નેધરલેન્ડના ભારત સ્થિત રાજદૂત શ્રીયુત માર્ટન વેન ડેન્ગ બર્ગે મુખ્યપ્રધાન સાથેની વન ટુ વન બેઠકમાં ગુજરાત સાથે પોર્ટ લેડ ડેવલપમેન્ટ તેમજ દહેજ પી.સી.પી.આઇ.આરમાં નેધરલેન્ડના ઉદ્યોગોના રોકાણ માટે ઉત્સુકતા દર્શાવી હતી.
હાલ દહેજ માં 1500 કરોડના રોકાણ સાથે નેધરલેન્ડની અગ્રણી કંપની રોયલ વોપાકે જેટી નિર્માણના કરાર કર્યા છે અને તેના આધાર પર નેધરલેન્ડની અન્ય કંપનીઓને પણ ગુજરાતમાં રોકાણો માટે પ્રેરિત કરવાની બાબતે પણ તેમણે વિચાર વિમર્શ કર્યો હતો.
મુખ્યપ્રધાન રુપાણીએ આગામી વાયબ્રન્ટ સમિટમાં નેધરલેન્ડનું હાઇ પાવર ડેલીગેશન સહભાગી થાય તે માટે આમંત્રણ પાઠવ્યું હતું. નેધરલેન્ડ આ વર્ષના વાયબ્રન્ટનું પાર્ટનર કન્ટ્રી છે તે સંદર્ભમાં પણ વન ટુ વન બેઠકમાં વિચાર વિમર્શ થયો હતો. વિજય ભાઈ રૂપાણીએ ખાસ કરીને ગુજરાતમાં હાલ કાર્યરત નેધરલેન્ડ ઉદ્યોગકારોને મળી રહેલી સવલતો અને સરકારના પ્રોત્સાહન અંગેની ફળદાયી ચર્ચાઓ કરી હતી.
મુખ્યપ્રધાન રુપાણી સાથે આજે નવી દિલ્હીમાં વાયબ્રન્ટ સમિટ 2019 ની પૂર્વતૈયારી રૂપે અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે યોજેલા વન ટુ વન બેઠકના ઉપક્રમમાં એમ.જી મોટર્સ ના એમ.ડી રાજીવ છાબડા, ડી સી એમ શ્રીરામના સી ઈ ઓ વિક્રમ શ્રીરામ, ભારતી એન્ટરપ્રાઇઝીસના વાઇસ ચેરમેન રાજન ભારતી મિત્તલ, એકમે સોલારના ચેરમેન મનોજ ઉપાધ્યાય, રીન્યુ પાવર વેન્ચરના સી ઈ ઓ સુમન્ત સિન્હા અને સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહે બેઠકો યોજીને ગુજરાત સાથે ઓટોમોટિવ સેક્ટર. સોલાર એનર્જી સોડા એશ ઉત્પાદન પી સી પી આઇ આર રિજિયનલ એર કનેક્ટિવિટી સહિતના બહુવિધ ક્ષેત્રોમાં રોકાણ માટેની ઉત્સુકતા દર્શાવી હતી.