ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો 18 ડિસેમ્બર આવ્યા પછી હજુ સુધી નવા ધારાસભ્યોની શપથવિધિ થઈ નથી, જેથી ધારાસભ્યોમાં ભારે ગણગણાટ હતો. પણ હવે સત્તાવાર રીતે રાજ્ય સરકારે જાહેર કર્યું છે કે 23 જાન્યુઆરીએ નવા ધારાસભ્યોના શપથવિધિ થશે, અને આ શપથવિધિ ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ-1માં યોજાશે.
વધુમાં ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર મળશે, અને આ બજેટ સત્ર 31 માર્ચ સુધી ચાલશે. બજેટ સત્રના પ્રથમ દિવસે વિધાનસભાના અધ્યક્ષની વરણી થશે. 18 ડિસેમ્બરે ચૂંટણીના પરિણામો આવ્યા પછી હજુ સુધી ધારાસભ્યોની શપથવિધિ થઈ ન હતી. તેમજ વિધાનસભાના અધ્યક્ષનો મામલો પેન્ડિંગ છે. તેમજ કેબિનેટનું વિસ્તરણ પણ બાકી છે. ખાતાની ફાળવણી પછી પ્રધાનપદ સોંપાયા પછી ધારાસભ્યોનો અસંતોષ બહાર આવ્યો હતો. ડેપ્યુટી સીએમ નિતીન પટેલથી શરૂ થયો, પરસોત્તમ સોલંકી અને તે પછી ભવાન ભરવાડ, વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીએ નારાજગી વ્યક્ત કરી હતી. આમ તે પછી રુપાણીએ તમામને આશ્વાસન આપ્યું હતું અને કોઈને અન્યાય નહી થાય તેમ કહ્યું હતું.
જો કે વિધાનસભાનું બજેટ સત્ર મળે તે પહેલાં વિજય રૂપાણીએ કેબિનેટના વિસ્તરણો ગંજીપો ચીપવો પડશે.