સાણંદ-મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અમદાવાદના સાણંદમાં મેકસિસ રબર ઇન્ડિયાના નવા ટાયર ટયૂબ પ્લાન્ટનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે ગુજરાતમાં ઓટોમોબાઇલ ક્ષેત્રે બે અબજ ડોલર કરતાં વધુનું રોકાણ થયું હોવાનું તેમણે જણાવ્યું હતું.૧૦૬ એકરમાં ફેલાયેલો આ પ્લાન્ટ ૪૦૦ મિલિયન યુ.એસ.ડોલર્સના રોકાણથી શરૂ થયો છે અને ભારતમાં આ પ્રકારનો પ્રથમ પ્લાન્ટ છે.સાણંદનો આ પ્લાન્ટ મિકસીંગથી લઇને ટાયર બિલ્ડીંગ અને કયોરિંગ સુધીની બધી જ સુવિધાઓ અન્ડર વન અમ્બ્રેલા પૂરી પાડે છે
રાજ્યમાં આવેલા કુલ વિદેશી મૂડીરોકાણોમાં ઓટોમોબાઇલ ક્ષેત્ર ૧પ ટકાનો હિસ્સો ધરાવે છે. ર૦૧૬-૧૭ના વર્ષમાં ભારતની વાહનોની નિકાસમાં ગુજરાતનો ફાળો ૧૦ ટકા રહ્યો છે. મેક્સિસ તાઇવાનની અતિપ્રતિષ્ઠિત રબર કંપની છે, જેણે ઉત્પાદન એકમની સ્થાપના માટે ગુજરાતની પસંદગી કરી છે. આ પ્લાન્ટ થકી ભારત-તાઇવાન સંબંધો વધુ સુદ્વઢ કરવામાં ગુજરાત નિર્ણાયક બનવાની આશા પણ વ્યક્ત થઇ હતી.
મેક્સિસ રબરનો આ પ્લાન્ટ પ્રતિદિન ર૦ હજાર ટાયર અને ૪૦ હજાર ટયૂબ ઉત્પાદનની ક્ષમતા સાથે ર હજારથી વધુ સ્થાનિકોને રોજગાર અવસર ઘરઆંગણે પૂરાં પાડશે. સાણંદ, માંડલ, બેચરાજી, હાલોલ અને રાજકોટ હવે ભારતના ઓટોમોટિવ મેન્યૂફેકચરિંગ કલસ્ટર્સ તરીકે ઉભરી રહ્યાં છે ત્યારે મેક્સિસના આગમનથી ટાયરટયૂબ ઉત્પાદન ક્ષેત્રે પણ ગુજરાતનો દબદબો છવાશે.મુખ્યપ્રધાને મેકસિસ રબર પોતાના રીસર્ચ-ડેવલપમેન્ટ દ્વારા ગુજરાતમાં રબરની ખેતી માટે ઇનિશિએટિવ લે તો રાજ્ય સરકારના સહયોગની તત્પરતા વ્યકત કરી હતી. તો મેક્સિસ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ ચેંગ-યાઓ લિયાઓએ આ પ્રસંગે જણાવ્યું કે, મેક્સિસ ગ્લોબલ આગામી ર૦ર૬ સુધીમાં વિશ્વના ટોચના પાંચ ટાયર ઉત્પાદકોમાં સ્થાન મેળવવાના લક્ષ્યાંક સાથે કાર્યરત છે.
નવા પ્લાન્ટના આરંભે મેક્સિસ રબર ઇન્ડિયા દ્વારા રુપિયા 5 લાખનો ચેક સ્વચ્છતાનિધિમાં અર્પણ કરાયો હતો.