સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ભયંકર આગ, 1નું મોત

સુરત શહેરમાં ફરી એક વખત આગની ઘટના બની છે. શહેરમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી છે અને આગની આ દુર્ઘટનામાં એક યુવકનું મોત થયું છે. સુરત શહેરના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગવાની ઘટના સર્જાઇ હતી. જેના લીધે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચાલુ દિવસ અને પીક અવર હોવાથી માર્કેટમાં લોકોની ભારે ભીડ હતી.

આગની લાગવાના સમાચાર મળતાં લોકોએ પોતાનો જીવ બચાવવા માટે દોડધામ કરી હતી. આગના કારણે ભારે ધુમાડાને ગોટેગોટા જોવા મળ્યા હતા. આ ઘટનામાં ગૂંગળામળના લીધે એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. જોકે એ.સી. કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં આગ લાગી હોવાનો કોલ મળતાં ફાયર બ્રિગેડની 20થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. બેઝમેન્ટમાં આવેલી ચારથી પાંચ દુકાનોમાં આગ પ્રસરી ગઇ હતી. ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવવા માટે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

માર્કેટનો સમય હોવાના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો માર્કેટની અંદર હતા, કહેવામાં આવી રહ્યું છે બેઝમેન્ટમાં 50 જેટલા લોકો હાજર હતા, જો કે સમયસુચકતા વાપરીને તેઓ બહાર આવી ગયા અને કમનસીબે 1 વ્યક્તિનું ધુમાડામાં ગૂંગળાઈ જતા મોત થયું છે.