સુરેન્દ્રનગર જિલ્લાના થાન ગામમાં આવેલા સરકારી ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર, ટેકાના ભાવે ખરીદેલી મગફળી ગોડાઉનમાં સંગ્રહિત કરવામાં આવી હતી, જેમાં અચાનક આગ ભભૂકી ઉઠી. આ ઘટનામાં અંદાજે 50000 કિલોથી વધુ મગફળી બળી ખાખ થઈ જવા પામતાં કરોડો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
આગ પર કાબૂ મેળવવા માટે થાનગઢ અને ચોટીલાની ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. વિકરાળ આગને રોકવા માટે જેસીબીની મદદથી ગોડાઉનની દિવાલ અને બે શટરો તોડી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. સતત બે કલાક સુધીની જહેમત બાદ મહદઅંશે આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી. સદનસીબે, સવારનો સમય હોવાને કારણે ગોડાઉનમાં કોઈ મજૂર કે કર્મચારી હાજર નહોતાં, જેથી કોઈ જાનહાનિ થઈ નથી. છતાંય, લાખોનું નુકસાન થયું છે, જેનો હિસાબ ગોડાઉન મેનેજર દ્વારા કરવામાં આવશે. મામલતદાર એન.આર. પટેલ અને અન્ય અધિકારીઓ સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી રહ્યા છે.
