લોકસભા ચૂંટણી 2019: ભાજપે ગુજરાતના વધુ ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા

અમદાવાદ- લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો હાલ ઉમેદાવારોની પસંદગીમાં વ્યસ્ત થયાં છે, ત્યારે જે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા ગુજરાતની વધુ ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ ઉમેદવારોમાં બનાસકાંઠાથી પરબત પટેલ, પોરબંદરથી રમેશ ધડૂક અને પંચમહાલથી રતનસિંહને ટિકિટ આપવામાં આવી છે.

આ નામની જાહેરાતની સાથે એ સ્પષ્ટ થઇ ગયું છે કે, બનાસકાંઠા બેઠક ઉપરથી રાજ્ય કક્ષાના ગૃહ રાજ્યપ્રધાન હરિભાઈ ચૌધરીનું પત્તુ કપાઈ ગયું છે. હરિભાઈના સ્થાને ચૌધરી સમાજના જ પરબત પટેલને ટિકિટ અપાઈ છે. પરબત પટેલ હાલ રાજ્ય સરકારમાં પ્રધાન છે.

આ સાથે પોરબંદર બેઠક ઉપર રમેશ ધડૂકનું નામ જાહેર કર્યું છે. કેટલાક સમય પૂર્વે કરોડોના ખર્ચે લગ્ન સમારંભ યોજીને રમેશ ધડૂક ચર્ચામાં આવ્યા હતાં. પંચમહાલથી હંમેશા ટીકીટની માંગ કરતા પ્રભાતસિંહ ચૌહાણને બદલે રતનસિંહને ટિકિટ આપવામાં આવી છે.