દત્તક વિધિઃ અમદાવાદના બે બાળકોને ફ્રાન્સીસી દંપતિએ પરિવારનો હિસ્સો બનાવ્યાં

અમદાવાદ- જેમ જેમ ટેકનોલોજીનો વિકાસ થાય છે એની સાથે જ વિશાળ લાગતી દુનિયા એકદમ નાની થતી જાય છે. વેપાર-વાણિજ્ય-ઉત્પાદન, વાહન વ્યવહાર ને સંદેશા વ્યવહારમાં માણસ નવી ટેકનોલોજીમાં અપગ્રેડ થઇ સતત અગ્રેસર થતો જાય છે. પરંતુ અમુક બાબતોમાં માણસ હજુય સંકુચિત છે. વિકાસની હરણફાળ ભરતા વિશ્વમાં કેટલાક માણસો સાવ માનવતા વિહોણા, સંકુચિત માનસિકતા ધરાવતા હોય છે.

ખાસ કરીને ભારત જેવા અનેક ધર્મો-સંપ્રદાયોથી જોડાયેલા વિશાળ દેશમાં કેટલાક લોકોની સંવેદનશીલતાની ઉણપ જોવા મળે છે. કારણ, તાજા જન્મેલા બાળકોને ત્યજી દેવાની ઘટનાઓ સતત વધતી જાય છે. શહેર, ગામડાંની સીમ , કચરા પેટી, હોસ્પિટલો, રેલ્વે કે બસ સ્ટેશન, ધાર્મિક સ્થાનો કે સ્વયંસેવી સંસ્થાઓની બહાર બાળકો ત્યજીને લોકો જતા રહ્યા હોય એવા દાખલા સતત સામે આવતા જાય છે. એની સામે સંવેદનશીલ, છલોછલ લાગણી વાળા લોકો પણ દુનિયામાં છે. જે આવા ત્યજી દીધેલા બાળકોને દત્તક લે છે. પોતાના વહાલસોયા બાળકની જેમ ઉછેર કરે છે.

અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં આવેલા શિશુગ્રૃહમાં 27 માર્ચ, બુધવારની સવારે આવી જ એક લાગણીસભર કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમ હતો..દત્તક વિધીનો., જેમાં વિનાયક અને વિજ્ઞેશ નામના શિશુગૃહના બાળકોને ફ્રાન્સના એક દંપતિએ દત્તક લીધા.

અમદાવાદ જીલ્લા બાળ સંરક્ષણ ગ્રૃહ સંચાલિત શિશુગ્રૃહ પાલડી ખાતે યોજાયેલા દત્તક વિધી ના આ કાર્યક્રમમાં શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ હાજર રહ્યા. મોટી સંખ્યામાં સામાજીક કાર્યકરો, અગ્રણીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો. બાળકોને વિશેષ પ્રેમ કરતાં શહેર પોલીસ કમિશનર ની ઉપસ્થિતિમાં બાળકોને દત્તક આપવાની પ્રક્રિયા થઇ. ત્યારબાદ પોલીસ કમિશનર એ.કે સિંઘે પ્રાસંગિક વક્તવ્ય માં કહ્યું ફ્રાંન્સના દંપત્તિએ જે રીતે વિનાયક અને વિજ્ઞેશને દત્તક લીધા એના થી બંન્ને ભાઇઓને નવો પરિવાર મળશે. વસુધૈવ કટુંબકમ્ નું આ શ્રેષ્ઠ ઉદાહરણ છે, આનાથી મને પણ મારી દીકરીઓની યાદ આવી ગઇ કે એ જે ઇટાલી કે ફીજી જેવા દેશોમાં ગયા ત્યારે એમને જે રીતે સારા પરિવારો સાથે રહેવા મળ્યુ. કૌટુંબિક વાતાવરણ મળ્યુ, એનાથી સમગ્ર વિશ્વ એક તાંતણે બંધાયેલી છે એવી અનુભુતિ થાય.

દત્તક વિધીના કાર્યક્રમથી લાગે કે, ભગવાન ગણેશ ના નામધારી વિનાયક અને વિજ્ઞેશને ફ્રાંન્સના દંપત્તિએ પરિવારનો હિસ્સો બનાવતાની સાથે જ એમના આગળના જીવનના વિજ્ઞો અવશ્ય દુર થઇ જશે….!

તસવીર અને અહેવાલ: પ્રજ્ઞેશ વ્યાસ