મિનરલ વોટરની આડમાં દારૂની હેરાફેરી, 46 લાખનો મુદ્દામાલ જપ્ત

ધંધુકાના લીંમડી ત્રણ રસ્તા પાસે ધંધુકા પોલીસે બાતમીના આધારે મોડી રાત્રે વોચ ગોઠવી, મિનરલ વોટરની આડમાં દમણથી દ્વારકા લઈ જવાતા વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક શખ્સની અટકાયત કરી. પૂછપરછ બાદ પોલીસે અન્ય બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો.

પોલીસને બાતમી મળી હતી કે ફેદરાથી ધંધુકા તરફ આવતા ટ્રક (નંબર GJ25T9459)માં પાણીની બોટલોની આડમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. ટ્રકની તપાસમાં 750 મિલીની 960 બોટલો, 180 મિલીની 5,184 કાચની અને 4,368 પ્લાસ્ટિકની બોટલો, તથા 1,632 બીયર ટીન મળી. કુલ 12,144 ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને બીયરની કિંમત 39,39,840 રૂપિયા છે. ટ્રક, મોબાઈલ, અને 875 પાણીના કેરેટ સહિત કુલ 46,12,340 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો.

અટકાયતમાં લેવાયેલા અમરાભાઈ ગલાભાઈ મોરી (રહે. રાણપર, ભાણવડ, દેવભૂમિ દ્વારકા)એ જણાવ્યું કે આ જથ્થો તેમના ગામના નાગાભાઈ રાજાભાઈ કોડીયાતરના કહેવાથી લાવવામાં આવ્યો હતો અને દમણમાં અજાણ્યા શખ્સે ટ્રકમાં ભર્યો હતો. ધંધુકા પોલીસે ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધી, આગળની તપાસ શરૂ કરી. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દમણ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી દારૂની હેરાફેરીના કેસો સતત વધી રહ્યા છે. ધંધુકા પોલીસની આ કાર્યવાહી રાજ્યની દારૂબંધી નીતિને મજબૂત કરવાના પ્રયાસોનો ભાગ છે.