અમદાવાદ: કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચ્યો છે, ભારતમાં પણ તેની અસર જોવા મળી છે. કોરોનાની અસર ટૂરિઝમ ક્ષેત્ર પર સૌથી વધુ જોવા મળી રહી છે. કોરોનો વાયરસના કારણે ગીર અભ્યારણ્ય, દેવળિયા સફારી પાર્ક અને ધારીથી આઠ કિલોમીટર દૂર આવેલા આંબરડી સફારી પાર્કને પણ 17થી 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત સિંહ દર્શન માટેની ઓનલાઈન બુક થયેલી પરમિટ પણ રદ કરી દેવામાં આવી છે.
જુનાગઢના સક્કરબાગ પ્રાણીસંગ્રહાલયને પણ કોરોના વાયરસના કારણે 29 માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે ગીર સોમનાથમાં પણ કોરોનાના ડરના કારણે પ્રવાસીઓની સંખ્યા ઘટી છે. તો જુનાગઢમાં પણ યાત્રાળુઓનો ધસારો રહે છે પરંતુ હવે સક્કરબાગ ઝૂમાં ટૂરિસ્ટ્સને 29 માર્ચ સુધી પ્રાણીઓ જોવા નહીં મળે.
ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરીને દેશભરમાં 31 માર્ચ સુધી સ્કૂલ અને કોલેજો તેમજ મોલ અને મલ્ટિપ્લેક્સ 29 માર્ચ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો છે. સ્કૂલ અને કોલેજોમાં બે અઠવાડિયા માટે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.
