જૂનાગઢઃ વિશ્વ વિખ્યાત એશિયાઈ સિંહો માટે હવે પ્રોજેક્ટ લાયન અમલમાં આવવા જઈ રહ્યો છે. મહત્વનું છે ગીરના જંગલ વિસ્તારની બહાર પણ કેટલાક સિંહો વસવાટ કરે અને તેમનું સંવર્ધન અને રક્ષણ કરવું પણ અનિવાર્ય છે. અને એટલા માટે જ વનવિભાગ દ્વારા પ્રોજેક્ટ લાયન તૈયાર કરવામાં આવ્યો છે. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત એશિયાટીક સિંહોના સંવર્ધન અને રક્ષણનું કાર્ય કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના જૂનાગઢથી ભાવનગર જીલ્લા સુધી આશરે 1400 કિલોમીટરથી વધુ વિસ્તારમાં વિસ્તરેલા ગિર જંગલમાં વસવાટ કરી રહેલા 523 જેટલા એશિયાઈ સિંહોને કદાચ જંગલ ટૂંકુ પડતુ હોવાના કારણોથી અથવા તો ત્યાં તેઓને માફક ન આવતું હોવાથી ઘણાબધા સિંહો ગિર જંગલ વિસ્તારની બહાર નીકળી રહ્યા છે અને રહેણાંક વિસ્તારો સુધી પહોંચી રહ્યા છે. ત્યારે ગિરના આ સિંહો જંગલ વિસ્તાર સુધી પહોંચી જતા આ ચિંતાનો વિષય બન્યો છે.
ઘણીવાર એવું પણ બને છે સિંહનું અકસ્માતે મૃત્યું પણ થાય છે. ત્યારે આવી પરીસ્થિતીને ધ્યાને રાખીને આ સીંહોની સુરક્ષા વધારવી અનિવાર્ય બની જાય છે. એટલા માટે જ વનવિભાગના અધિકારીઓએ જંગલ બહાર નિકળી ગયેલા 200 જેટલા સિંહોના રક્ષણ અને સંવર્ધન માટે અભ્યાસ અને સંશોધન કરીને પ્રોજેક્ટ લાયનનું માળખુ તૈયાર કરીને રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલી આપ્યું હતું. આખરે રાજ્ય સરકારે આ પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે.
આ મામલે ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો.એ.પી.સીંઘે આ બાબતે જણાવ્યું હતું કે જે રીતે બંગાળમાં પ્રોજેક્ટ ટાઈગર, આસામમાં પ્રોજેક્ટ એલીફન્ટ અને ઉત્તર ભારતના જંગલોમાં પ્રોજેક્ટ રાઈનોઝ અમલમાં છે તે રીતે સૌરાષ્ટ્રના ગિર જંગલની બહાર નિકળેલા ર૦૦ જેટલા સિંહોના રક્ષણ-સંવર્ધન સહિતની કામગીરી માટે ‘પ્રોજેક્ટ લાયન’ નો ટુંક સમયમાં અમલ કરવામાં આવી રહ્યો છે…