ગાંધીનગરઃ ભાજપ દ્વારા ફીર એક બાર મોદી સરકારના સંકલ્પ સાથે આજથી ડિજિટલ પ્રચાર માટે એલ.ઈ.ડી. રથોનું પ્રસ્થાન ગાંધીનગર ખાતે આવેલા ભાજપના કાર્યાલય કમલમથી કરવામાં આવ્યું છે.આ રથો ગુજરાતભરમાં ફરીને ભાજપનો પ્રચાર કરશે.
ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યા પ્રમાણે, ગુજરાત અને દેશભરમાં ચૂંટણીનો માહોલ બનતો જાય છે ત્યારે ‘‘મૈં ભી ચૌકીદાર’’ થીમ સાથે લોકશૈલીમાં પ્રચાર-પ્રસાર, 51 થી વધુ વસ્તુ ધરાવતી પ્રસાર સાહિત્ય કીટનું ગુજરાતભરના 50,128 બૂથમાં વિતરણ, 13 ડાન્સીંગ મ્યુઝીકલ થીમ દ્વારા કેન્દ્રની યોજનાઓથી જનતાને અવગત કરાવવી જેવા પોઝીટીવ કેમ્પેઇનથી ભાજપ જનતાની વચ્ચે જઇ રહી છે.
સમગ્ર દેશમાં 550 થી વધુ એલ.ઇ.ડી. રથો પરીભ્રમણ કરશે. ગુજરાતના દરેક લોકસભા ક્ષેત્રોમાં ઓછામાં ઓછા બે રથો એમ કુલ બાવન રથો ભ્રમણ કરશે અને ‘‘કમળનું બટન દબાવો, ફરી એકવાર મોદી સરકાર બનાવો’’ના સંદેશ સાથે ગુજરાતની સાડા 6 કરોડ જનતા વચ્ચે પહોંચશે. આ રથમાં ત્રણ પ્રકાર વીડિયો દર્શાવાશે. પ્રથમ વીડિયો 17 મીનીટનો છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ભાજપા સરકારની ઉપલબ્ધીઓ દર્શાવવામાં આવશે, બીજા વીડિયો ‘‘મૈં ભી ચૌકીદાર’’ થીમનો છે, જે સાત મીનીટ ચાલશે, ત્રીજો વીડિયો ૩ મીનીટનો છે જે ‘‘મોદી હૈ તો મુમકીન હૈ’’ થીમ આધારિત છે. જાદુગરો પણ જાદુના માધ્યમથી ભાજપનો પ્રચાર કરશે.
મહત્વનું છે કે લોકસભા ચૂંટણીને તમામ પાર્ટી વિવિધ રીતે પ્રચારના કામમાં લાગેલી છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડીચોટીનું જોર લગાવીને મતદારોને રીઝવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપ દ્વારા ડિજિટલી પ્રચાર કરવા અને પોતાના કાર્યોને જનતા સુધી પહોંચાડવા માટે એલ.ઈ.ડી રથોને મેદાને ઉતારવામાં આવ્યા છે.
આમ પણ, ભાજપને રથ અને યાત્રા યોજવામાં ફાવટ આવી ગઇ છે. પછી એ રથયાત્રા હોય કે ડીજિટલ પ્રચાર યાત્રા!