માનવતાને શર્મસાર કરતી ઘટના, માતા-પુત્રએ મળી કિશોરી પર કર્યો અત્યાચાર

અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ઘટના પ્રકાશમાં આવી છે. વિંઝોલમાં રહેતા એક માતા પુત્રએ ભેગા મળીને પાડોશમાં રહેતી એક 15 વર્ષની કિશોરીને ઘરે બોલાવી. સગીરા જ્યારે ડ્રેસનો ટ્રાયલ લઈ રહી હતી ત્યારે મહિલાએ તેનો વીડિયો ઉતારી લીધો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને આ મહિલાએ કિશોરીને પોતાના દિકરા સાથે શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરી હતી. આ યુવાને દોઢ વર્ષ સુધી વીડિયો બતાવીને કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ મામલે કિશોરીએ કંટાળીને પરિવારને જાણ કરતા તેના પિતાએ માતા અને યુવાન સામે ફરિયાદ નોંધાવતા પોલીસે બંન્નેની ધરપકડ કરી છે.

આ મામલે લખાવેલી ફરિયાદ પ્રમાણે વિંઝોલ ગામમાં રહેતા વેપારીની 15 વર્ષની દીકરીએ અત્યારે ધોરણ 10ની પરીક્ષા આપી છે. તેમનાં ઘર પાસે રહેતા રહેતા રેખાબેન ડ્રેસ વેચવાનો ઘરે ઘંઘો કરતા હતાં. તેથી તેમણે આસપાસની બધી છોકરીઓ અને મહિલાઓને ડ્રેસ જોવા બોલાવ્યાં હતાં. જેથી આ સગીરા રેખાબહેનના ઘરે ડ્રેસ ખરીદવા ગઇ હતી. કિશોરીને થોડા ડ્રેસ ગમતા હતા તેથી તેનું ટ્રાયલ લેવા માટે તે બીજા રૂમમાં ગઈ હતી. ત્યારે રેખાબેને સગીરાનો વીડિયો ઉતારી લીધો હતો.

આ વીડિયો કિશોરીને બતાવી તેના દીકરા જીતુ સાથે શરીર સંબંધ બાંધવા મજબૂર કરી હતી. જોકે સગીરાએ વિરોધ કરતા તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી કિશોરીએ ગભરાઇને જીતુ સાથે સંબંધ બાંધ્યો હતો. માતાએ શરીર સંબંધ બાંધતા વીડિયો ઉતારી લીધો હતો. ત્યારબાદ તે વીડિયો સગીરાને બતાવી તેને અવારનવાર પોતાના ઘરે બોલાવી યુવાન શરીર સુખ માણતો હતો. આ ઉપરાંત તે કિશોરી પાસે નગ્ન ફોટા પણ મંગાવતો હતો.

આખરે માતા પુત્રની ધમકીઓથી કંટાળીને સગીરાએ પરિવારને આ આખી ઘટનાની જાણ કરી હતી. જે બાદ સગીરાનાં પિતાએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે માતા પુત્રની ધરપકડ કરી લીધી હતી.