ગાંધીનગરઃ પાટનગરમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના હસ્તે GGRC દ્વારા ખેડૂતો માટે તૈયાર કરવામાં આવેલા http://khedut.ggrc.co પોર્ટલનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે.
નાયબ મુખ્યમંત્રી પટેલે પોર્ટલનું લોન્ચીંગ કરતા જણાવ્યુ હતુ કે, રાજ્યમાં ખેડૂતોને પર ડ્રોપ મોર ક્રોપ માટે ડ્રીપ ઇરીગેશન-સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ દ્વારા ઓછા પાણીએ વધુ ખેતી ખેડૂતો કરી શકે તે માટે ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની દ્વારા સુવિધાઓ પુરી પાડવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં જી.જી.આર.સી. દ્વારા રાજ્યના ૧૧ લાખથી વધુ ખેડૂતોને ૧૮.૫૦ લાખ જેટલા હેક્ટરમાં સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ વસાવીને આ યોજનાનો લાભ પુરો પડાયો છે. ખેડૂતોને ખૂબ જ ઓછી કિંમતે ટપક સિંચાઇની સિસ્ટમ લગાડવા માટે રાજ્ય સરકારે અત્યાર સુધીમાં રૂ. ૬૦૯૦ કરોડની માતબર રકમની સબસીડી પણ પુરી પાડી છે.
નીતિન પટેલે ઉમેર્યુ કે, સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિનો લાભ મેળવવા માટે ખેડૂતોએ કાર્યરત થયેલ આ પોર્ટલમાં અથવા મોબાઇલ નંબર ૯૭૬૩૩૨૨૨૧૧ ઉપર પોતાની વિગતો, નામ, જિલ્લો, તાલુકો, ગામ ભરી પૂર્વ નોંધણી જાતે જ કરી શકશે. નોંધણી થયા બાદ જી.જી.આર.સી. દ્વારા સામેથી ખેડૂતોનો સંપર્ક કરી સુક્ષ્મ સિંચાઇ પધ્ધતિ લગાડવા માટેની કામગીરી કરવામાં આવશે.