બુલેટ-ટ્રેન-પ્રોજેક્ટઃ L&T દ્વારા નવસારી ખાતે બોક્સ-ગર્ડર્સનું કામ શરૂ

સુરતઃ લાર્સન એન્ડ ટુબ્રો કન્સ્ટ્રક્શન કંપનીએ મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલવે પ્રોજેક્ટ (બુલેટ ટ્રેન) માટે સુરત નજીકના નવસારી ખાતે એલિવેટેડ કોરિડોર માટે પૂલ બાંધવા માટે ફૂલ-સ્પેન બોક્સ ગર્ડર્સ ઢાળવાનું કામ શરૂ કરી દીધું છે અને તે ઝડપભેર આગળ વધી રહ્યું છે. આ ગર્ડર 970 મેટ્રિક ટન વજનના છે અને તે ભારતમાં નિર્મિત અને ઉપયોગમાં લેવાયેલા સૌથી વજનદાર પ્રી-સ્ટ્રેસ્ડ કોંક્રિટ સ્પેન છે.

L&Tના હોલટાઈમ ડાયરેક્ટર અને સિનિયર એક્ઝિક્યૂટિવ વાઈસ-પ્રેસિડન્ટ (સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર) એસ.વી. દેસાઈના જણાવ્યા મુજબ, ઝડપ અને વ્યાપને સફળતાપૂર્વક અને સાતત્યપૂર્વક તૈયાર કરવા તે આ જંગી યોજનાને અમલમાં મૂકવાનો સૌથી મોટો પડકાર છે. અમે જે ફૂલ-સ્પેન પદ્ધતિ અપનાવી છે એ આ યોજનામાં અમારા હિસ્સાના બાંધકામને ચોક્કસપણે ઝડપી બનાવશે. અમારી આ સ્વદેશી રીતે વિકસાવેલી પદ્ધતિ ભારતના બાંધકામ ઉદ્યોગમાં ગેમચેન્જર સાબિત થશે.

મુંબઈ અને અમદાવાદ વચ્ચેનો હાઈ-સ્પીડ રેલવે રૂટ 808 કિ.મી.નો હશે. L&T 237.1 કિ.મી.ના પટ્ટા પર અનેક પૂલ, સ્ટેશન, નદી પરના મોટા પૂલ, ડેપો બાંધવાના તથા અન્ય સહાયક કાર્યો હાથ ધરવાની છે. એલિવેટેડ રૂટ મહારાષ્ટ્ર-ગુજરાત સરહદ પરના ઝારોલી ગામથી શરૂ થશે અને વડોદરા સુધીનો હશે, જે ગુજરાતના ચાર સ્ટેશનો પાસેથી પસાર થશે – વાપી, બીલીમોરા, સુરત અને ભરૂચ.