GCCIની મહિલા પાંખ દ્વારા બિઝનેસ વુમન કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદઃ GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા 30 ઓક્ટોબરે એક ઇન્ટરનેશનલ બિઝનેસ વુમન કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આઠ વિવિધ દેશોની મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો અને હાલના સમયમાં ઉદ્યોગો સામેના પડકારો અને તકો પર ચર્ચા કરી હતી. આ કોન્ફરન્સમાં વિવિધ દેશના વક્તાઓએ પોતાના દેશમાં ભારત માટે તકોની જાણકારી આપી હતી. આ કોન્ફરના વક્તાઓમાં મહિમા કિમ-સાઉથ કોરિયા, ગુરુમીન્દર રંધાવા-યુકે, માલિની શાહ-કેનેડા, અનધા પાઠક-ભારત, મોનિકા રાયઝાદા-ઓસ્ટ્રેલિયા, અને નેસ્લી ટેરેબા-બ્રાઝિલે વક્તવ્ય આપ્યું હતું.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને ઇન્ડસ્ટ્રીના પ્રમુખ હેમંત શાહે કોન્ફરન્સને ઉદબોધન કરતાં મહિલા કમિટીને અભિનંદન પાઠવ્યાં હતાં. મહિલા કમિટીનાં ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસ દ્વારા વક્તાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ યુનિટી ગ્રુપ ઓફ કંપનીનાં સ્થાપક અનધા પાઠકે મહિલા સાહસિકોને માર્કેટ અપડેટ સાથે નવી સ્કિલ વિકસાવવાની સલાહ આપી હતી. તો NTT UK લિ.નાં કન્ટ્રી હેડ ગુરુમીન્દર રંધાવાએ યુરોપમાં બહેનો માટે ઘણી જ તકો ઊભી થવાની સંભાવનાઓ દર્શાવી હતી.

મંત્રા હોલિસ્ટિકનાં મોનિકા રાયજાદાએ અને ડિફરન્સ ઇન્ક.ના ફાઉન્ડર આયુર્વેદ માટે અમેરિકા તથા ઓસ્ટ્રેલિયાને ઊભરતા માર્કેટ ગણાવ્યાં હતાં. આ કાર્યક્રમનું સંચાલન વુમન વિંગનાં કો. ચેરપર્સન રુનલ પટેલ દ્વારા થયું હતું તથા આભારવિધિ સારંગી કાનાણીએ કરી હતી. આ કાર્યક્રમમાં દરેક વક્તાઓઓએ વેપાર વધારવા માટે મહિલાઓની તકોની આપ-લે કરી હતી અને આવા કાર્યક્રમોનું સમયાંતરે આયોજન કરવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી.