75 વર્ષ જૂની શ્વેત ક્રાંતિ ‘અમૂલ’ના જન્મની વાત

અમદાવાદઃ દેશની સ્વતંત્રતાની લાંબી લડાઈમાં દૂધનું પણ યોગદાન છે. આ વાર્તા છે અમૂલની અને એના સૂત્રધાર બનેલા અમેરિકામાં ન્યુ ક્લિયર ફિઝિક્સનું શિક્ષણ લઈને વિજ્ઞાની બનવાની ઇચ્છા ધરાવનારા ડો. વર્ગીઝ કુરિયનની.  આણંદમાં અમૂલના 75મા સ્થાપના વર્ષ સમારોહમાં ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે મોદીજીએ સહકારિતા મંત્રાલય બનાવ્યું છે અને એ સહકારથી સમૃદ્ધના સૂત્ર સાથે બનાવવામાં આવ્યું છે.  

ડો. વર્ગીઝ કુરિયનને દેશની દૂધ ક્રાંતિ એટલે કે શ્વેત ક્રાંતિના જનક કહેવામાં આવે છે. અહીં ડો. કુરિયનના પ્રયાસોનું પરિણામ હતું કે ભારતે આજથી 75 વર્ષ પહેલાં દૂધ અને ડેરી ક્ષેત્રમાં અંગ્રેજી વર્ચસને પડકાર આપ્યો હતો. આજે ભારતમાં દૂધનું સૌથી વધુ વેચાણ થાય છે, બલકે ભારત દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. ભારતમાં હાલ વાર્ષિક ધોરણે 19 કરોડ ટનનું દૂધનું ઉત્પાદન થાય છે. દેશમાં હજી પ્રતિ વ્યક્તિ માટે આશરે 400 ગ્રામ દૂધની ઉપલબ્ધતા છે.

અમૂલની ઉત્પત્તિ ગુજરાતના કૈરા જિલ્લાના દૂધ ઉત્પાદક ખેડૂતોના વિરોધથી થઈ હતી. એ 1946ની વાત છે. કૈરા જિલ્લામાં દૂધના વેપાર પર બ્રિટિશ કંપની પોલસન ડેરીનું વર્ચસ હતું. જિલ્લામાં ખેડૂત પોલસન ડેરીની મનમાનીથી દુઃખી હતા. ખેડૂતોએ પોતાની મુશ્કેલીઓ સરદાર પટેલને આપી હતી.

સરદાર પટેલની સલાહ પર 14 ડિસેમ્બર, 1946એ ત્રિભુવન કાકાની આગેવાનીમાં કૈરા ડિસ્ટ્રિક્ટ ક-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ યુનિયન લિ.નો પ્રારંભ થયો હતો. એ સમયે એ સંસ્થા નાના પાયે કામ કરી રહી હતી. એ સમયે ડો. વર્ગીઝ કુરિયનનો પ્રવેશ થયો હતો.

ડો. વર્ગીઝના 1950માં એ ઝુંબેશ સાથે જોડાતાં પહેલાં એ સંસ્થા સાથે માત્ર બે ગામની ડેરી સોસાયટી જોડાયેલી હતી અને એની ક્ષમતા માત્ર 247 લિટર હતી. ડો. વર્ગીઝે ઝુંબેશનો વ્યાપ વધાર્યો. લાલ બહાદુર શાસ્ત્રીની નેશનલ ડેરી પોલિસીએ આ ઝુંબેશ વધુ મોટી કરી. આજે અમૂલ બ્રાન્ડનું ટર્નઓવર રૂ. 52,000 કરોડથી વધુ છે. આજે અમૂલ બ્રાન્ડ હેઠળ કામ કરતી ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિ.  દેશનાં 28 રાજ્યોના 222 જિલ્લાઓમાં હાજરી ધરાવે છે. અમૂલ બ્રાન્ડ સાથે દેશના 1.66 કરોડ દૂધ ઉત્પાદક ખેડૂતો જોડાયેલા છે.