અમદાવાદઃ વિજયાદશમીના ઉત્સવની ઉજવણીમાં શસ્ત્ર-પૂજન કરવામાં આવે છે. ધર્મ, પ્રાંત, પરંપરા અને માન્યતાઓ અનુસાર લોકો વિજયાદશમી પર્વની ઉજવણી કરે છે. અમદાવાદમાં આજે શ્રી રાજપૂત વિદ્યાસભા ગુજરાત દ્વારા શસ્ત્રો અને શાસ્ત્રનું પૂજન કરવામાં આવ્યું હતું.
શહેરના ગોતા ખાતે ‘શ્રી હરેન્દ્રસિંહજી સરવૈયા રાજપૂત ભવન’માં રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓ તેમજ વિશિષ્ટ સિધ્ધિ પ્રાપ્ત કરનાર મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.
શસ્ત્ર અને શાસ્ત્રના પૂજન દરમિયાન ક્ષત્રિય સમાજના મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
શ્રી રાજપૂત વિદ્યાસભાના સન્માન સમારોહમાં ગજેન્દ્રસિંહજી શેખાવત, માંધાતાસિંહજી જાડેજા (રાજકોટ સ્ટેટ), નારણસિંહજી દેઓલ, જટુભા ઝાલા, યોગીરાજસિંહજી ગોહિલ, ભગીરથસિંહજી જાડેજા (આઇ.પી.એસ), ડો.રેખાબા જાડેજા ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ગૌ કથાકાર ચૈતન્ય શંભુ મહારાજે આશીર્વચન આપ્યા હતા.
દશેરા નિમિત્તે આજે વહેલી સવારથી જ શહેરમાં જુદી જુદી જગ્યાએ શસ્ત્ર પૂજનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
(પ્રજ્ઞેશ વ્યાસ)