અમદાવાદઃ ધંધુકામાં ધોળેદહાડે બાઇક પર આવેલી બે વ્યક્તિએ 25 જાન્યુઆરીએ જાહેરમાં કિશન ભરવાડની ગોળી મારીને હત્યા કરી હતી. આ હત્યા કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની ભૂમિકા શંકાસ્પદ છે. પોલીસે શબ્બીર અને ઈમ્તિયાઝ નામના બે આરોપીની ધરપકડ કરી છે. તેમણે મૌલવીના પ્રભાવમાં આ હત્યા કરી હોવાની આશંકા છે. આ હત્યાને પગલે શહેરમાં અજંપાભરી સ્થિતિ પ્રવર્તી રહી છે. સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ પણ પ્રવર્તી રહ્યો છે.
આ આરોપીની તપાસમાં જાણવા મળ્યું હતું કે કિશન ભરવાડે સોશિયલ મિડિયા પર એક પોસ્ટ મૂકી હતી, જે બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.
ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ હત્યા એક ષડયંત્ર છે. આ યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી છે, કોઈ સામાન્ય વ્યક્તિ નથી. મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા હતા. હર્ષ સંઘવીએ એમ પણ કહ્યું હતું કે આ યુવાનોની અંદર કટ્ટરવાદનું ઝેર ભરનારા મૌલવીની અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી છે. યુવકની હત્યા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ કિશન ભરવાડના બેસણામાં હાજરી આપ્યા બાદ પરિવારજનોને મળ્યા હતા. તેમણે મૃતકની 20 દિવસની બાળકીને ખોળામાં લીધી હતી. અને બાળકીના માથા ઉપર હાથ મૂકીને ન્યાય અપાવવાનું પણ વચન આપ્યું હતું.
આ 20 દિવસની દીકરીના પિતાની હત્યા અંગે ઝડપી ન્યાયની ખાતરી આપું છું.
ગુજરાતમાં બીજી વખત આવી ઘટના ન બને તેવી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. pic.twitter.com/IWRnI9XOGs
— Harsh Sanghavi (@sanghaviharsh) January 28, 2022
કિશન ભરવાડની હત્યા બાદ ધંધુકા પોલીસ સ્ટેશનના PI સહિતના કેટલાક સ્ટાફની બદલી કરી દેવામાં આવી છે. હાલ સાણંદના PIને ધંધુકા મૂકવામાં આવ્યા છે.