સૌરાષ્ટ્રના લોકમેળા લોકોમાં જાણીતા છે. તરણેતરનો મેળો, માધવપુરનો મેળો કે જૂનાગઢનો શિવરાત્રીનો મેળો હોય, તેમાં લોકો મન ભરીને આનંદ માણે છે. શિવરાત્રી દરમ્યાન ગરવા ગઢ ગિરનારની ગોદમાં ભરાતો શિવમેળો વિશેષ મહત્વ ધરાવે છે. 5 દિવસ ચાલતા લોકમેળાની છેલ્લા દિવસે નાગા સાધુઓની રવાડી સાથે પૂર્ણાહુતિ થાય છે. શિવરાત્રીએ ભવનાથની તળેટીમાં અદભૂત રોમાંચ જોવા મળે છે, જાણે નાગા સાધુઓની ભૂતાવળની દુનિયા!
ધાર્મિક મહત્વ:
મેળામાં આનંદ-પ્રમોદ સાથે ધાર્મિક મહત્વ પણ જોડાયેલું છે. જેમાં મહાદેવ શંકર પાતાળની તપસ્યા પૂર્ણ કરીને ગિરનારમાંથી સીધા કૈલાસમાં ગયા હતા, તેવી લોકવાયકા જોડાયેલી છે. અને એ દિવસથી જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો ભરાય છે, તેવી માન્યતા છે. વર્ષોથી ચાલતા દર વર્ષે ક્રમશ: મેળામાં ભક્તોની સંખ્યામાં વધારો થતો જાય છે. ગયા વર્ષે અંદાજે 6 લાખ શ્રદ્ધાળુંઓ મેળામાં જોડાયા હોવાનો સ્થાનિક તંત્રનો આંકડો હતો. આ વર્ષે આ આંકડો તેનાથી પણ વધુ નોંધાય તેવુ અનુમાન છે.
ભજન અને ભોજનનું સમન્વય:
જૂનાગઢના મેળામાં 5 દિવસ સુધી પણ રોકાવાનું થાય તો ભક્તોને ભુખ્યા રહેવાનું થતું નથી, કારણ કે ઠેર-ઠેર વિવિધ મંડળો દ્વારા અમરનાથ યાત્રાની જેમ ભંડારા જોવા મળે છે. જ્યાં ભક્તોને ત્રણેય સમયનું ભોજન મળી રહે છે. આ ઉપરાંત ભજનની સાથે કાર્યક્રમનું પણ આયોજન હોય છે.
જેમાં ખ્યાતનામ ભજનિકો સમી સાંજે અને રાત્રે પોતાની ભજનવાણીથી ગિરનાર તળેટીને સંપૂર્ણ ધાર્મિક બનાવી દે છે. સમગ્ર દેશમાંથી ઉપસ્થિત નાગાબાવાઓ પોતાની રવાડીઓમાં અલખની ધુણી ધખાવતા જોવા મળે છે.
મૃગીકુંડમાં નાગા બાવાનું શાહી સ્નાન:
શિવરાત્રે ભવનાથ મંદિરના રસ્તા ઉપર નાગા બાવાઓની યાત્રા નીકળે છે, જે રવાડી તરીકે સાધુ સમાજમાં જાણીતી છે. સમીસાંજે સરઘસ નીકળ્યા પછી રાતના બાર-એક વાગે તેની પૂર્ણહુતિ થાય છે. ત્યારે મૃગીકુંડમાં સન્યાસીઓ શાહી સ્નાન કરવા ઉમટે છે. તેમાં એક એવી પણ લોકવાયકા છે કે કેટલાક નાગાબાવા મૃગીકુંડમાં વરુણપૂજા કરે છે.
સમગ્ર ગુજરાતમાં 1521 જેટલા મેળા ભરાય છે અને તેમાં ગિરનારની ગોદમાં શિવરાતનો મેળો અતિ પ્રાચીન અને જાણીતો છે. ઉલ્લેખનીય છે કે, ગિરનારનું મહત્વ અને વર્ણન સ્કંદપુરાણ તેમજ વિષ્ણુપુરાણમાં પણ સાભળવા મળે છે. આમ તો 5 દિવસ સુધી દામોદર કુંડથી ગિરનાર દરવાજા તેમજ બીજી તરફ ભવનાથ મંદિર સુધી આ લોકમેળો છે, જે શિવરાત્રીએ સન્યાસીઓના મેળાવડામાં પરિવર્તિત થઈ જાય છે.
(જિજ્ઞેશ ઠાકર)