અમદાવાદઃ ઝારખંડમાં ગુજરાતના તીર્થયાત્રીઓની બસને નડેલા અકસ્માતમાં એક મહિલાનું મોત થયું છે. ગુજરાતના યાત્રીઓ આ બસમાં ઓડિશાના જગન્નાથપુરીથી યુપીના વારાણસી જઈ રહ્યા હતા. આ અકસ્માતમાં 12 થી વધારે યાત્રાળુઓ ઘાયલ થયા છે. આ તમામ લોકોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ઝારખંડના ચૌકા થાણા વિસ્તારના ખૂંટી ગામ પાસે ચૌકા-કાંડ્રા રોડ પર સોમવારે રાત્રે 10.30 વાગ્યે તીર્થયાત્રીઓની બસ ડિવાઇડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. અકસ્માતમાં જૂનાગઢના રીટાબેન નામના મહિલાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માતમાં બે ડઝન જેટલા ગુજરાતી તીર્થયાત્રીઓ ઘાયલ થયા છે.
અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તમામ ઘાયલોને જમશેદપુર ખાતે આવેલી મહાત્મા ગાંધી મેમોરિયલ (એમજીએમ) ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘાયલોમાં હાર્દિકકુમાર, સ્નેહકુમાર, વનિતાબેન, ઈલાબેન કિશોરભાઈ, વિજયાબેન રમેશભાઈ, નિરાલીબેન, કેંચનબેન હેમંતભાઈ, રાજુભાઈ, ગિરિશભાઈ, દીપકભાઈ, ભાવનાબેન, કિશોરબેન, નારણભાઈ તેમજ બસના ડ્રાઇવરનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતાની સાથે જ જમશેદપુર ગુજરાતી સમાજના લોકો હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. આ અંગે જાણકારી આપતા ઘાયલ હાર્દિક અને સ્નેહ કુમારે જણાવ્યું કે, તમામ તીર્થયાત્રીઓ જૂનાગઢ જિલ્લાના મોઆના ગામના નિવાસી છે.
આ તમામ લોકો એક ખાનગી બસ દ્વારા 24મી ફેબ્રુઆરીના રોજ જાત્રા પર નીકળ્યા હતા. સોમવારે તેઓ જગન્નાથી પુરીથી વારાણસી જઈ રહ્યા હતા. બસ જેવી ચૌકા થાણાના ખૂંટી ગામ નજીક પહોંચી કે બસના ડ્રાઇવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને બસ ડિવાઇડર સાથે અથડાઈ હતી.