નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ: નેશનલ એગ્રિકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ ચૂંટાયા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી, તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. 21 ડિરેક્ટરોએ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યુ છે. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર હતા.

આ અગાઉ પંચમહાલના શહેરા વિધાનસભા બેઠક પર જેઠાભાઈ ભરવાડ ચૂંટણી જીતી ચૂક્યા છે. જેઠાભાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં કોઇ પક્ષ દ્વારા બુથ કેપ્ચરિંગનાં પ્રયાસને કારણે જૂથ અથડામણ થયું હતું. જેમાં જેઠાભાઈ ભરવાડનું ચર્ચામાં આવ્યું હતું.

ઇફ્કોમાં ડિરેક્ટર પદ પર જયેશ રાદડિયાની જીત થઈ હતી

ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા હતા. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.