ભાવનગરમાં IT વિભાગનું મેગા ઓપરેશન, 11 પેઢી પર 32 સ્થળે 36 ટીમ ત્રાટકી

ભાવનગર: ભાવનગર શહેરમાં આવકવેરા વિભાગ (IT) દ્વારા મેગા સર્ચ-ઓપરેશન હાથ ધરાયું છે. દિલ્હીની IT ટીમની આગેવાની હેઠળ અમદાવાદ, વડોદરા અને સુરત સહિતના 500થી વધુ અધિકારીઓ આ ઓપરેશનમાં સામેલ થયા છે. 11 પેઢીનાં 32 સ્થળો પર 36 ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જાણીતા બિલ્ડરો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને નામાંકિત જ્વેલર્સને ત્યાં દરોડા પાડી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

આઈટી દ્વારા શહેરના નામાંકિત બિલ્ડર અને ભાજપના વરીષ્ઠ આગેવાન ગિરીશ શાહના ઘર સહિત વ્યાવસાયિક સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે. શહેરમાં ગિરીશ શાહની બિલ્ડકોન પેઢી અને આતભાઈ ચોક નજીક બંગલા પર ચેકિંગ હાથ ધરાયું હતું. IT દ્વારા ગઈકાલ એટલેકે 18મી ફેબ્રુઆરીથી આ ઓપરેશન શરૂ થયું હતું. આવકવેરા વિભાગની અચાનક કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

બિલ્ડરો, ડોક્ટરો, ઉદ્યોગપતિઓ અને નામાંકિત જ્વેલર્સ ત્યાં IT દરોડા 

  • ઓર્ચિડ બિલ્ડર (શિશુવિહાર ઓફિસ)
  • કમલેશ શાહ (આંબાવાડી બંગલો)
  • નિઝર કલીવાલા (શિશુવિહાર બંગલો)
  • સિદ્ધિવિનાયક બિલ્ડકોન (સંજય સોનાણી – શિવાંજલી બિલ્ડિંગ)
  • બિલ્ડર પરેશ વ્યાસ
  • જેડી ઇન્ફ્રાકોન
  • ઇસ્કોન મેગાસિટી
  • મહાબલ ફાઈનાન્સ

આવકવેરા વિભાગના 500થી વધુ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા છે, શહેરમાં 11 પેઢીનાં કુલ 32 સ્થળ પર કામગીરી હાથ ધરવામાં આવી છે. આઇટી વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈને પણ તપાસ હાથ ધરી છે. ફંડ ક્યાંથી આવે છે? ગ્રાહકો પાસેથી કેટલા રોકડા લેવામાં આવે છે? કેટલા રોકડા ચૂકવવામાં આવે છે? આ ઉપરાંત અનેક સોની વ્યાપારીઓ છે, પર્ફ્યૂમ કંપનીઓ અનેક બિલ્ડરોને ત્યાં હાલ ઓપરેશન ચાલુ છે. જોકે હજી આ ઓપરેશનની અંદર કોઈ પાસેથી કેટલી ગેરરીતિ ઝડપાઈ એ સામે આવ્યું નથી