રાજકોટઃ શહેરમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં આગ લાગવાના બનાવમાં પાંચ દર્દીઓનાં મૃત્યુ થયાં છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય ભાઈ રૂપાણીએ રાજકોટની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં બે દિવસ પૂર્વે લાગેલી આગની દુર્ઘટનાની ન્યાયિક તપાસ ગુજરાત હાઇકોર્ટના નિવૃત જજ કે. એ પુંજ ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ અગાઉ પણ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઘટનાની તપાસ પણ જસ્ટિસ પુંજ કમિશનને સોંપવામાં આવી હતી
રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારની મોડી રાત્રે આગ લાગતાં કોરોનાના પાંચ દર્દી ભડથું થઈ ગયા હતા, જે દુર્ઘટનાની હાલ તપાસ હાલ ચાલી રહી છે. આ ઘટનાને 48 કલાક જેવો સમય વીતી ગયા પછી પણ આગ કયાં કારણોસર લાગી એ નક્કર કારણ જાણી શકાયું નથી. જેથી મુખ્ય પ્રધાને તપાસ નિવૃત્ત જજને સોંપી છે.
આ પહેલાં આ દુર્ઘટનાની તપાસ સચિવ કક્ષાના અધિકારી એ. કે. રાકેશને સોંપવામાં આવી હતી. તેમણે રાજકોટની અન્ય કોવિડ હોસ્પિટલમાં પણ તપાસ શરૂ કરવાના આદેશ આપી દીધા હતા.
ઓક્સિજન લીકેજને કારણે આગ લાગવાની શક્યતા
તેમણે જણાવ્યું હતું કે સીસીટીવી ફુટેજમાં કોઈ જગ્યાએ બ્લાસ્ટ થયો નથી તેવું જાણવા મળ્યું છે અને પ્રાથમિક રિપોર્ટ આજે સાંજે આવી જશે. જોકે કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજનનું પ્રમાણ વધારે હોય છે એટલે કોઈ જગ્યાએ લીકેજ થયો હોય એના લીધે એટલે આગ લાગી હોવાની શક્યતા વધી જાય છે.
જોકે હવે આ હોસ્પિટલ અગ્નિકાંડની તપાસ હાઈકોર્ટના નિવૃત્ત જજને સોંપવામાં આવી છે.