સાબરમતી નદી, ચંડોળા, કાંકરિયા તળાવ કોરોના સંક્રમિત

અમદાવાદઃ દેશમાં અને રાજ્યમાં બીજી લહેર હવે સુસ્ત થઈ રહી છે. જેથી રાજ્યમાં કોરોનાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પણ હવે અમદાવાદની જીવાદોરી સમી સાબરમતીમાંથી કોરોના વાઇરસ હોવાની પુષ્ટિ થઈ છે. અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ અને ચંડોળા તળાવમાંથી કોરોનાના જીવાણુઓ મળ્યા છે. ત્રણેય જગ્યાએથી પાણીનાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં અને તમામ સેમ્પલ્સમાં કોરોનાના જીવાણુ મળી આવ્યા છે. ચાર મહિનામાં 16 જેટલાં સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાં પાંચ જેટલાં સેમ્પલ પોઝિટિવ જણાયા હતા.
IIT ગાંધીનગર સહિત દેશની 8 સંસ્થાએ સાથે મળીને આ અભ્યાસ કર્યો હતો. આ રિસર્ચને લઈને IIT ગાંધીનગરના પૃથ્વી અને વૈજ્ઞાનિક વિભાગના પ્રોફેસર મનીષકુમારે જણાવ્યું હતું કે પાણીમાં આ સેમ્પલ નદીમાંથી ત્રીજી સપ્ટેમ્બરથી 29 ડિસેમ્બર, 2020 સુધી દરેક સપ્તાહે લેવામાં આવ્યા હતા. નમૂના લીધા પછી તેમાં તપાસ કરવામાં આવી તો તેમાં કોરોના વાઇરસના જીવતા જીવાણુ જોવા મળ્યા હતા.

અમે સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર 2020 દરમ્યાન સેમ્પલ લીધા હતા. એપ્રિલ 2021માં અને હાલના સમયમાં પાણીમાં વાઇરસ કેવો હશે તેનો ખ્યાલ નથી, પરંતુ મોનિટરિંગ કરવાની ખાસ જરૂર છે. ખાસ કરીને પીવાનું પાણી જે નદી, તળાવમાંથી વાપરવામાં આવે છે તેમાં મોનિટરિંગ કરવું જોઈએ. દર સપ્તાહે બે વાર તેની તપાસ થવી જોઈએ, જેથી વાઇરસ અંગે જાણકારી મળી શકે. પાણીમાં વાઇરસ ફેલાવવાનું કારણ સોલિડ વેસ્ટ હોઈ શકે છે. લોકોએ પહેરેલા માસ્ક નાખી દીધા હોય, થૂક, મળમૂત્ર વગેરેના કારણે પાણીમાં ફેલાય છે. પાણીમાં વાઇરસ હોવું એ થોડી ખતરાની બાબત છે, એમ તેમણે કહ્યું હતું.