ભારત અને સ્પેનના PM ગુજરાતના મહેમાન બન્યા છે. વડોદરાના આંગણે નરેન્દ્ર મોદી અને પેડ્રો સાંચેઝનો ભવ્ય રોડ શો યોજાયો હતો. બંને દેશના PMને આવકારવા રોડની બંને સાઇડ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ દરમિયાન બંને વડાપ્રધાન અચાનક જ રોડ શો અટકાવીને નીચે ઉતર્યા અને દિવ્યાંગ દિયાને મળવા પહોંચ્યા હતા. બંને દેશના PMએ દિયા સાથે હાથ મિલાવ્યો હતો. જ્યારે વિદ્યાર્થિનીએ પણ બંને દેશના PMને તેમના સ્કેચ ભેટમાં આપ્યા હતા.
વડોદરા શહેરની એક દિવ્યાંગ વિદ્યાર્થિની જે એમ એસ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. આ ઉપરાંત તે એક ઇત્તમ ચિત્ર કલાકાર પણ છે. વડાપ્રધાનના આગમનને લઇને તે પરિવારજનો સાથે પોતે તૈયાર કરેલા સ્કેચ સાથે રોડ શોના રૂટ પર ગોઠવાઇ ગઇ હતી. આ સમયે રોડ શોનો કાફલો ત્યાંથી પસાર થયો અને બંને વડાપ્રધાનની નજર આ વિદ્યાર્થિની પર ગઈ હતી. તેથી આ આખો કાફલો રોકી દેવામાં આવ્યો હતો.
બંને વડાપ્રધાન પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતર્યા અને દિવ્યાંગ વિદ્યાર્થિનીને મળવા તેની પાસે પહોંચ્યા હતા. દિયાએ બંને વડાપ્રધાનને તેમના ચિત્રોની ફ્રેમ ભેટમાં આપી હતી. જેને બંને વડાપ્રધાને સહર્ષ સ્વીકારી હતી અને દિયાને શુભકામના આપી હતી.