ગાંધીનગર– યુવા બાબતો અને રમતગમત રાજ્યકક્ષાના પ્રધાન(સ્વતંત્ર હવાલો) કિરન રિજીજુએ જણાવ્યું હતુ કે, ટોકિયોમાં 2020માં રમાનારા ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે ભારતના એક ડેલિગેશનનું નેતૃત્વ કરીને પોતે ત્યાં જશે અને ટોક્યોમાં ઇન્ડિયા હાઉસ તૈયાર કરવામાં આવશે, જેમાં ભારતીય ખેલાડીઓ માટે જરૂરી બધી જ સુવિધાઓ પુરી પાડવામાં આવશે. ન્યુટ્રિશનિસ્ટ અને કોચની સલાહ મુજબ ખેલાડીઓ માટે પોષણયુક્ત ભોજન તેમ જ જરૂરી ટેકનિકલ સુવિધાઓ પણ પુરી પાડવામાં આવશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ભારતના કોઈપણ ખેલાડીઓને સંપૂર્ણ સન્માન મળે તેમ અમે ઈચ્છીએ છીએ, જે ખેલાડીઓએ ભૂતકાળમાં આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે તેમ જ જેમણે રાષ્ટ્રીય સ્તર પર કોઈ રમતમાં મેડલ જીત્યુ હોય એવા ખેલાડીઓ જો અત્યારે સારી આર્થિક સ્થિતિમાં નથી તો એમના માટે આર્થિક સહયોગની વ્યવસ્થા પણ અમે ઉભી કરી રહ્યાં છીએ, જે ખેલાડીઓએ ભારતનું પ્રતિનિધિત્વ કરીને એશિયન ગેમ્સ, કોમનવેલ્થ કે ઓલિમ્પિકમાં મેડલ જીત્યા હોય તેમના માટે પેન્શનની વ્યવસ્થા તો હોય જ છે, આ ઉપરાંત પણ કોઈ ખેલાડીઓ દયનીય સ્થિતિમાં હોય તો તેમના માટે સરકાર આર્થિક સહયોગની વ્યવસ્થા ઉભી કરી છે.
કિરન રિજીજુ શનિવારે ગુજરાતમાં ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાના પરિસરની મુલાકાતે હતા, ત્યાં તેમણે અધિકારીઓ સાથે મુલાકાત યોજી હતી, તેમજ પરિસરમાં આયોજિત એક વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.