અમદાવાદના ત્રણ વિસ્તારમાં કુલ 312 મકાનોની ફાળવણી થઈ, લાભાર્થી છે સરકારી…

અમદાવાદઃ માર્ગ અને મકાન વિભાગ દ્વારા અમદાવાદમાં વસ્ત્રાપુર,મેમનગર તથા ગુલબાઇ ટેકરા, ખાતે રાજ્ય સરકારના અધિકારી – કર્મચારી માટે  રૂ.૯૮ કરોડના ખર્ચે નિર્મિત  ‘ઇ ‘, ‘ડી’, ‘ સી ‘ કક્ષાના ૩૧૨ બહુમાળી આવાસોનું લોકાર્પણ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે કર્યું હતું, સાથે જ  ફાળવાયેલ લાભાર્થીને આવાસ લોકાર્પણના પત્રો આપી આવાસની ફાળવણી કરી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યની વિવિધ સરકારી કચેરીઓના નવીનીકરણ સાથે અધતન સુવિધાઓ પૂરી પાડી અધિકારી- કર્મચારીઓને  કામ કરવા માટે વધુ સારું વાતાવરણ માર્ગ મકાન વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે તેજ રીતે તેમના પરિવારો સાથે રહી શકે તે માટે સુવિધાયુક્ત  આવાસો બનાવવાની માર્ગ મકાન વિભાગની નેમ સાકાર થઈ રહી છે.

નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે સરકારમાં સતત ભરતી થઈ રહી છે અને સરકારી કર્મચારી – અધિકારીઓ રાજ્ય સરકારના વિકાસ માટે સતત કામ કરતા હોય છે ત્યારે તેમના પરિવારો સાથે સારી રીતે રહી શકે તે માટે રાજ્યના તમામ નગરોમાં સરકારી આવાસો બનાવવામાં આવી રહ્યા છે અને આ માટે અંદાજ પત્રમાં જોગવાઈ પણ કરવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર પ્રજાકીય અને સેવાકીય કામો વધુને વધુ કરી રહી છે ત્યારે પર્યાવરણની જાળવણી અને સ્વચ્છતાકિય કામોને આપણું કર્તવ્ય સમજી સહયોગ આપવો જોઈએ. પર્યાવરણની જાળવણી માટે રોડ સાઇડની ફાજલ જમીનો,પડતર જમીનોમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવા તેમણે જણાવ્યું હતું.

અમદાવાદ મહાનગર પાલિકાના મેયર બીજલબેન પટેલે જણાવ્યું કે પ્રજાને જરૂરી સુવિધાઓ આપવાનું કામ આ સરકાર કરી રહી છે. અમદાવાદ મહાનગર પાલિકાના ‘મીશન મીલીયન ટ્રી ‘ના અભિયાનમાં વૃક્ષો વાવવામાં જોડાવા તથા સ્વચ્છતા અભિયાનમાં જોડાઈ વડાપ્રધાનના પર્યાવરણ અને સ્વચ્છ અભિયાનમાં યોગદાન આપવા આહ્વાન કર્યું હતું.