ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

અમદાવાદઃ આઝાદીના ૭૫ વર્ષની સમાપ્તિની ઉજવણીના ભાગરૂપે અત્રેના રાજીવ ગાંધી ભવન, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પટાંગણમાં ધ્વજવંદન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આજે આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થાય છે અને આપણે ૭૬મો સ્વાતંત્ર્ય દિવસ ઉજવી રહ્યાં છીએ ત્યારે સમગ્ર દેશવાસીઓને તેની શુભેચ્છાઓ સાથે આઝાદીની લડતમાં લડતા લડવૈયાઓને પણ યાદ કરવા જ રહ્યાં. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, સુભાષચંદ્ર બોઝ, ડૉ. બાબાસાહેબ આંબેડકર, મૌલાના અબુલ કલામ સહિત અનેક નામી અનામી સ્વાતંત્ર્ય સેનાનીઓના ત્યાગ અને સમર્પણના કારણે આજે આપણે આઝાદી ભોગવી રહ્યાં છીએ.

ઠાકોરે વધુમાં કહ્યું, દેશી રજવાડાઓને એક કરવા માટે થઈને સરદાર વલ્લભભાઈ પટેલે તિરંગાને સન્માન આપ્યું હતું. જ્યારે દેશમાં ટાંકણી પણ નહોતી બનતી ત્યારે દેશમાં નવરત્નોની સ્થાપના કરીને દેશને સ્વાવલંબી બનાવવા માટે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ તિરંગાને સન્માન આપ્યું હતું. જયજવાન જય કિસાન નો નારો આપી, પાકિસ્તાન સામે પ્રથમ યુદ્ધ જીતીને લાલબહાદુર શાસ્ત્રીએ તિરંગાને સન્માન આપ્યું હતું. પાકિસ્તાનના બે ટુકડા કરીને અને પોખરાણમાં પ્રથમ અણુધડાકો કરી વિશ્વમાં તિરંગાનું નામ રોશન ઈન્દિરા ગાંધીએ કર્યું હતું. ભારતને ૨૧મી સદીમાં લઈ જનાર અને આઈ.ટી. અને ટેકનોલોજી ક્રાંતિ લાવીને, ૧૮ વર્ષની ઉંમરે મતદાનનો અધિકાર આપીને રાજીવ ગાંધીએ તિરંગાને સન્માન આપ્યું હતું. આર્થિક ઉદારીકરણની શરૂઆત કરીને પી.વી. નરસિંહારાવે ભારતનો ડંકો વિશ્વમાં પ્રસ્થાપિત કરીને તિરંગાને સન્માન આપ્યું હતું. યુ.પી.એ. અધ્યક્ષા સોનિયા ગાંધી અને વડાપ્રધાન મનમોહનસિંહનો સમયગાળો અધિકારોનો દાયકો ગણાય છે. આ દરમ્યાન આર.ટી.આઈ. (માહિતીનો અધિકાર), આર.ટી.ઈ. (શિક્ષણનો અધિકાર), આર.ટી.એફ. (અન્નનો અધિકાર), મનરેગા (રોજગારનો અધિકાર), દેશની જનતાને સમર્પિત કરીને તિરંગાને સન્માન આપ્યું છે. રાહુલ ગાંધી હંમેશા કહે છે કે, “તિરંગા હી મેરા ધર્મ હૈ” અને એ જ દરેક કોંગ્રેસજનની વિચારધારા છે. રાષ્ટ્રપ્રેમ અને તિરંગા પ્રત્યે આદરભાવ એ દરેક કોંગ્રેસીના લોહીમાં વહે છે. 

ઠાકોરે વધુમાં કહ્યું, આજે જ્યારે દેશમાં નફરત ફેલાવવા માટે દેશ વિરોધી તત્વો જ્યારે તક સાધી રહ્યાં છે ત્યારે દરેક કોંગ્રેસીજન ખેડૂતો માટે, મહિલાઓ માટે, યુવાનો માટે, દલિત, આદિવાસી, ગરીબ – સામાન્ય – મધ્યમવર્ગ માટેના હક્ક અને અધિકારોની રક્ષાકાજે એક નવી આઝાદીની લડાઈ લડવા કટિબધ્ધ છે. રાષ્ટ્રધ્વજનો અસ્વીકાર કરનારાઓને આજે રાષ્ટ્રધ્વજને સલામી આપવી પડે એ જ વિચારધારાની જીત છે.