ગાંધીનગર– પ્રગતિશીલ ગુજરાતની છવિ તેના રોડમાર્ગોને લઇને બરકરાર રાખતાં વધુ એકવાર રાજ્ય દેશમાં મોખરે હોવાનું સામે આવ્યું છે. માર્ગ સુવિધા ક્ષેત્રે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત દેશમાં મોખરે રહ્યું છે.નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે માહિતી આપતાં જણાવ્યું છે કે, માળખાગત સુવિધાઓના નિર્માણમાં માર્ગ સુવિધા ક્ષેત્રે ગુજરાત દેશભરમાં મોખરે રહ્યું છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ પણ ૧૫ તબક્કાઓમાં ૧૨ હજાર કિ.મી.ના રસ્તાના કામો પૂર્ણ કરી દેશમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ માર્ગોને રૂ.૨૦૨ કરોડના ખર્ચે રીસરફેસીંગ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે જેનો ૨૭ જિલ્લાને લાભ મળશે અને ગ્રામીણ ખેડૂતોને અવરજવરમાં તેમજ ખેત પેદાશોની હેરફેર માટે વધુ સુવિધા ઉપલબ્ધ થશે.
તેમણે જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮-૧૯માં જે રસ્તાઓને ૧૦ વર્ષ કરતાં વધુ સમય થયો હોય તેવા રૂ.૧૦૩.૪૪ કરોડની અંદાજી રકમના ૫૬૫ કીમી લંબાઇના ૨૪૫ રસ્તાઓના રીસરફેસના કામને તથા જે રસ્તાઓને સાત વર્ષ પૂર્ણ થયા હોય તેવા રૂ. ૯૯.૩૭ કરોડની અંદાજી રકમના ૫૩૮ કીમી લંબાઇના ૧૯૮ રસ્તાઓ એમ કુલ મળીને રૂ. ૨૦૨.૮૧ કરોડની અંદાજીત રકમના ૧૧૦૩ કીમી લંબાઇના ૪૪૩ રસ્તાઓના રીસરફેસીંગના કામો હાથ ધરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
પટેલે ઉમેર્યું કે, આ નિર્ણયથી રાજ્યના અમદાવાદ, ખેડા, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, પાટણ, કચ્છ, વડોદરા, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, નર્મદા, દાહોદ, સુરત, તાપી, નવસારી, વલસાડ, મોરબી, રાજકોટ, જામનગર, ભાવનગર, બોટાદ અને અમરેલી એમ કુલ ૨૭ જિલ્લાઓના નાગરિકો-ખેડૂતોને માર્ગ સુવિધાનો લાભ મળશે. આ રસ્તાઓના રીસરફેસીંગ ને કારણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતો અવરજવર અને ખેત પેદાશોની હેરફેર સરળતાથી કરી શકશે.
અત્રે ઉલેખનીય છે કે, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગુજરાત રાજ્યમાં વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૮ દરમ્યાન ૧થી ૧૫ તબક્કાઓમાં આશરે ૧૨૦૦૦ કીમી ના રસ્તાઓના કામો પૂર્ણ કરવામાં આવેલ છે. આ યોજના હેઠળ ગુજરાત રાજ્ય દેશ માં ઉત્તમ કામગીરી કરનાર રાજ્યો પૈકી નું એક છે. આ કામગીરી માટે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા એવોર્ડ પણ એનાયત કરાયો છે.