ગાંધીનગર– ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન કોડીનાર વિધાનસભાના ધારાસભ્ય મોહનભાઈ વાળાનો ગીરસોમનાથ અને અમરેલી જિલ્લા પંચાયતોના સંવર્ગવાર મહેકમ અંગેનો પ્રશ્ન હતો. જેના લેખિત જવાબમાં પંચાયત રાજ્યકક્ષાના પ્રધાને જણાવ્યું કે, આ બંને જિલ્લા પંચાયતોમાં વર્ગ-૧ની ૧૭ જગ્યાઓ, વર્ગ-૨ની ૪૪ જગ્યાઓ, વર્ગ-૩ની ૨૩૯ જગ્યાઓ અને વર્ગ-૪ની ૧૮૨ જગ્યાઓ ખાલી છે.પ્રશ્નોત્તરી કાળમાં ચર્ચામાં ભાગ લેતાં ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, ગીર-સોમનાથ અને અમરેલી એમ બે જિલ્લા પંચાયતોમાં મંજૂર થયેલ મહેકમ પૈકીની વર્ગ-૧, ર, ૩ અને ૪ની લગભગ ૬૦%થી વધારે જગ્યાઓ ખાલી છે. આ ખાલી પડી રહેલ જગ્યાઓને કારણે પ્રજાના લોકહિતના કાર્યો પર વિપરીત અસર પડે છે અને જિલ્લા પંચાયત દ્વારા કામના નિકાલમાં થતા વિલંબના કારણે લોકોને ખૂબ જ હાલાકી પડે છે. આ ખાલી જગ્યાઓ કેટલી સમયમર્યાદામાં ભરાશે તે જણાવવા સરકારને વિનંતી કરી હતી.
ધાનાણીએ જણાવ્યું હતું કે, આજે સામાન્ય માણસ જ્યારે સરકારી કચેરીઓમાં જાય ત્યારે વિવિધ સંવર્ગની જગ્યાઓ ખાલી, સરકારી કચેરીઓમાં ખુરશીઓ ખાલી અને રાજ્યમાં પ્રજાના મહેનતા પૈસાની તિજોરી પણ ખાલી છે. આજે રાજ્યમાં સરકારી કથળેલી વ્યવસ્થાને કેવી રીતે સુધારવી તેના પર કયારેય વિચાર કરવામાં આવતો નથી. ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા પંચાયતોમાં વિવિધ સંવર્ગની ૬૦% જેટલી જગ્યાઓ ખાલી છે ત્યારે સમગ્ર રાજ્યમાં આ જ પરિસ્થિતિ પ્રવર્તી રહી છે, ખાલી પડેલ જગ્યાઓ ત્રણ-ત્રણ વર્ષ સુધી ભરવામાં આવતી નથી. એકબાજુ ખાલી જગ્યાઓ ભરાતી નથી અને બીજી બાજુ ફીક્સ પગારથી ભરતી કરીને કર્મચારીઓનું શોષણ કરવામાં આવે છે. તેમને મળવાપાત્ર વેતન પુરતું અપાતું નથી. રાજ્યમાં વહીવટીતંત્રને સુદૃઢ બનાવવા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ વહીવટને સુદૃઢ બનાવવા માટે ખાલી પડેલ જગ્યાઓ સત્વરે ભરવા ધાનાણીએ સરકારને વિનંતી કરી હતી.