અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ-કેસઃ 38 દોષિતોને ફાંસી, 11ને આજીવન કેદ

અમદાવાદઃ શહેરમાં 26 જુલાઈ 2008એ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં 14 વર્ષે ચુકાદો જાહેર થયો છે. આજે સ્પેશિયલ સિવિલ કોર્ટ દ્વારા 49 દોષિતોને સજાનું એલાન કરવામાં આવ્યું છે. આ કેસમાં 38 આરોપીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે અને 11 આરોપીઓને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. દેશના ઇતિહાસમાં પ્રથમ વખત 49 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ તમામ 49 આરોપીઓને 120(બી)  હેઠળ આજીવન કેદ અને રૂ. 10,000નો દંડ ફટકારવામાં આવ્યો છે અને જો આ દોષિતો દંડ નહીં ભરે તો વધુ બે મહિના સજા ફટકારવામાં આવી છે.

અમદાવાદમાં 26 જુલાઈ 2008એ સિરિયલ બ્લાસ્ટ કેસ એ રેરેસ્ટ ઓફ રેર કેસ છે. જેમાં કુલ 78 આરોપીમાંથી 49 આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય 28 આરોપી પુરાવાના અભાવે નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા છે.

અમદાવાદમાં 2008માં આતંકવાદીઓએ એક પછી એક 20 સિરિયલ બોમ્બધડાકા કર્યા હતા. 26 જુલાઇ 2008એ સાંજે 6.15થી 7.45 સુધીની 90 મિનિટમાં 20 જગ્યાએ સાઇકલ, કાર અને બસમાં બોંમ્બબ્લાસ્ટ થતાં શહેર ધ્રૂજી ઊઠ્યું હતું. આ ઘટના 26 જુલાઈ 2008એ બની હતી. આ શ્રેણીબદ્ધ બોમ્બબ્લાસ્ટમાં 56 લોકોનાં મોત થયાં હતાં અને 244 જેટલા લોકો ગંભીર રીતે ઇજા પામ્યા હતા. આ કેસમાં કુલ 78 આરોપીઓ સામે કોર્ટમાં કેસ ચલાવવામાં આવ્યો હતો. જ્યારે હજી આ કેસમાં આઠ આરોપીઓ એવા છે, જેમને પોલીસ હજુ શોધી રહી છે.

કોર્ટ પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ 1થી 16 નંબર અને 18,19,20,28,31,32,36, 37,38,39,40, 42,44,45,47,49,50,60,63,69,70 અને 78 નંબરના આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ સાથે આ બોમ્બબ્લાસ્ટમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને રૂ. એક લાખનું વળતર આપવામાં આવશે. આ સાથે ઇજાગ્રસ્ત લોકોને રૂ. 50,000નું વળતર આપવામાં આવશે. આ ઉપરાંત સામાન્ય ઇજાવાળી વ્યક્તિઓને રૂ. 25,000નું વળતર આપવામાં આવશે.