અમદાવાદમાં 51 કૃત્રિમ કુંડમાં વિશિષ્ટ વ્યવસ્થા સાથે ગણેશ મૂર્તિ વિસર્જન

અમદાવાદ: ગુજરાત સહિત દેશમાં ગણેશ મહોત્સવની ધૂમધામ ચાલી રહી છે. ત્યારે તારીખ 7થી શરૂ થયેલ ગણેશ મહોત્સવ આજે પૂર્ણ થવાના આરે છે. આજ સુધી તમામ ભક્તો 1.5 દિવસ, 3, 5, 7, 10 દિવસે ગણેશ ભગવાનનું વિસર્જન કરતા હોય છે. શહેરના 40 વિવિધ લોકેશન ઉપર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 51 જેટલા કૃત્રિમ વિસર્જન કુંડ બનાવાયા હતા. ગણેશ મહોત્સવ દરમિયાન તંત્ર તરફથી 22,658 જેટલી નાની-મોટી ગણેશજીની મૂર્તિનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફૂલ, પુજાપા સહિતની સામગ્રીને અલગથી એકત્રિત કરવામાં આવી હતી.

ગણેશચતુર્થીના દિવસથી શહેરમાં ભાવિકો દ્વારા એક દિવસથી લઈ દસ દિવસ સુધી ભગવાન શ્રી ગણેશની મૂર્તિની સ્થાપના ઘર અથવા અલગ અલગ વિસ્તારમાં ઉભા કરવામાં આવેલા પંડાલોમાં કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ તરફથી રોજેરોજ એકત્ર કરવામાં આવેલી શ્રીજીની મૂર્તિઓનો પિરાણા ખાતે નકકી કરવામાં આવેલી જગ્યાએ યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. શહેરમાં 48 પંડાલ ઉભા કરવામાં આવ્યા હતા. ભાવિકો તરફથી અર્પણ કરવામાં આવેલા ફૂલ, પુજાપા, પિતાંબર સહિતની ધાર્મિક સામગ્રી એકઠી કરવા સાત ઝોનમાં સાત કલેકશન વાન કાર્યરત કરવામાં આવી હતી.

સૂત્રો તરફથી મળતી આંકડાકિયા માહિતી પ્રમાણે અમદાવાદના પૂર્વ વિસ્તારની 2779 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 5654, ઉત્તર વિસ્તારની 415, દક્ષિણ વિસ્તાર 725, મધ્ય વિસ્તારમાં સૌથી વધુ 12033 અને ઉત્તર પશ્ચિમ વિસ્તારમાં 575, જ્યારે દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 477 મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું છે.