રોંગ સાઇડ વાહન ચલાવતા પકડાયા તો થશો જેલભેગા

અમદાવાદઃ અમદાવાદ સહિત રાજ્યમાં અનેક લોકો ફરીને જવાની આળસને કારણે રોંગ સાઇડમાંથી વાહન ચલાવતા હોય છે. લોકો નિશ્ચિત જગ્યાએ જવા માટે વારંવાર શોર્ટકટ લેતા હોય છે, જેથી ટ્રાફિકમાં આ રોંગ સાઇડ જતા લોકોને કારણે ક્યારેક અકસ્માત થાય છે અથવા તો ટ્રાફિકમાં સમસ્યા સર્જાય છે.

જોકે હવે આવા રોંગ સાઇડ જનારા લોકોની ખેર નથી. હવે પોલીસ કડક પગલાં ભરવા માટે તૈયાર છે, હવે રોંગ સાઇડમાં કોઈ વ્યક્તિ પણ પકડાશે તો તો ડ્રાઇવિંગ લાઇસન્સ જપ્ત કે કેન્સલ થવાથી લઈ પોલીસ ફરિયાદ તથા ધરપકડ પણ થઈ શકે છે. હાલમાં જ પોલીસે લક્ઝરી બસના ડ્રાઇવરને રોંગ સાઇડમાં આવતા પકડી પાડ્યો હતો અને બાદમાં તેની સામે કડક પગલાં ભર્યાં હતાં.

SG હાઇવે પર રોંગ સાઇડમાંથી હાલમાં ડ્રાઇવર બસ ચલાવતો હતો. પોલીસે તેને જેલ ભેગો કરી દીધો હતો. તેના આવા કૃત્યને લીધે હવે આ વ્યક્તિ પોતાનું ડ્રાઇવિંગ લાઈસન્સ પણ ગુમાવી દે એવી શક્યતા છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે હવે આગામી સમયમાં અમે રોંગ સાઇડમાં વાહન ચલાવતા ડ્રાઇવર કે વાહનચાલકો સામે મોટાં પગલાં ભરવાના છીએ. તેમને કડકમાં કડક સજા થાય અને આનાથી અકસ્માતનું જોખમ ટળી જાય એની ખાતરી અમે કરી રહ્યા છીએ.

તેમણે X પર એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે આ બસને ડિટેન કરી દેવામાં આવી છે અને સેક્શન 177 અને 184 હેઠળ તેની સામે ગુનો પણ નોંધી દેવાયો છે.  એટલું જ નહીં આની સાથે ડ્રાઈવરનું લાઈસન્સ કેન્સલ કરી દેવાય એના માટે પણ RTOને રિપોર્ટ મળી ગયો છે.