હ્યુસ્ટનઃ ગઈ 11 ઓક્ટોબરની સવારે હ્યુસ્ટનવાસીઓ જાગ્યા ત્યારે એક નવા યુગનો આરંભ થઈ ચૂક્યો હતો. શહેરમાં એમને કંઈક એવું જોવા મળ્યું હતું જે અગાઉ ક્યારેય જોવા મળ્યું નહોતું. હિન્દુત્વના સંદેશ દર્શાવતા બિલબોર્ડને કારણે આખા ગ્રેટર હ્યુસ્ટનમાં પહેલી જ વાર સકારાત્મક ભાવનાનું નિર્માણ થયું. આધ્યાત્મિક હિન્દુત્વ વિશેની પવિત્ર અને સકારાત્મક ભાવના દર્શાવતા આ બિલબોર્ડથી અમેરિકાના સૌથી વધારે વસ્તીવાળા આ ચોથા નંબરના શહેર તથા NASAના સમાનવ અંતરિક્ષ કાર્યક્રમનું સંચાલન કરતા જોન્સન સ્પેસ સેન્ટરની આ ભૂમિ પર એક પ્રેરણાદાયી વાતાવરણનું નિર્માણ થયું હતું. પવિત્ર એવા ‘ઓમ’ પ્રતીક સાથેના સંદેશ ધરાવતા બિલબોર્ડ મકાનોની ટોચ પર 300 ફૂટની ઊંચાઈ પર મૂકવામાં આવ્યા હતા. હિન્દુત્વના સમૃદ્ધ વારસા અને તેની વૈશ્વિક અપીલને એક જુસ્સા સાથે સુદ્રઢ કરવા માટે આ બિલબોર્ડ મૂકાવવાનું ભગીરથ કાર્ય બે અમેરિકન હિન્દુ મહિલાઓએ અદ્દભુત રીતે પાર પાડ્યું હતું.
અમેરિકામાં આવું આ પહેલી જ વાર જોવા મળ્યું છે અને આ મૌલિક વિચાર છે લાઈવિંગ પ્લેનેટ ફાઉન્ડેશન સંસ્થાનાં ડો. કુસુમ વ્યાસનો. તેમણે ડો. વીણા અંબરદારની મદદ સાથે આ પરિયોજનાને વિક્રમ સમયમાં વ્યાવસાયિક રીતે અમલમાં મૂકી. ગયા ઓક્ટોબરમાં આખા અમેરિકા દેશમાં હિન્દુ હેરિટેજ મહિનાની ઉજવણી કરવામાં આવી હતી. હિન્દુત્વ પ્રતિ અમેરિકામાં પ્રસરેલી લાગણીના પ્રવાહથી ઉત્સાહિત થયેલી આ બંને હિન્દુ મહિલાએ હિન્દુત્વને વધુ ઊંચાઈ પર – ‘ઓમ’ના સ્તરે લઈ જવાનું નક્કી કર્યું જેથી સમગ્ર દુનિયામાં એની ગૂંજ ફેલાય.
ડો. અંબરદારનું કહેવું છે કે, ‘ઓમ’ તો કાયમને માટે, અનંતકાળ સુધી હરિત છે. અમેરિકામાં હિન્દુ હેરિટેજ મહિનો ઓક્ટોબરમાં સમાપ્ત થયા બાદ પણ તે અડીખમ છે. ઓમ એવી શક્તિશાળી અને સકારાત્મક ભાવનાનું નિર્માણ કરી શકે છે, તમને સમગ્ર બ્રહ્માંડની અનુભૂતિ કરાવી શકે છે. હિન્દુત્વને અમેરિકા કે દુનિયાના દેશોએ આપેલી કોઈ પણ પ્રકારની માન્યતા કરતાંય આ સર્વોચ્ચ છે. પૃથ્વીના વાયુમંડળના બધા સ્તરથી પણ ઉપર બ્રહ્માંડની સુદૂર કક્ષાઓ સુધી ‘ઓમ’નો પ્રસાર થયો છે. હિન્દુત્વ એક લાગણી છે અને તેને યોગ્ય રીતે પ્રસ્તુત કરવામાં આવે તો હિન્દુધર્મ ‘વસુધૈવ કુટુમ્બકમ’ (વિશ્વ એક પરિવાર છે) એવા સાશ્વત સંદેશ સાથે માનવજાતને સંગઠિત કરી શકે છે, દુનિયાભરમાં યુદ્ધો રોકી શકે છે અને દુનિયાને યાતનામાંથી ઉગારી શકે છે. બિલબોર્ડનો પ્રોજેક્ટ સમર્થકો તરફથી મળેલા દાનની રકમ તથા અંગત ભંડોળને કારણે શક્ય બન્યો છે. અમને આ પ્રયાસોમાં સહકાર આપનાર તમામનાં અમે આભારી છીએ.
ડો. કુસુમ વ્યાસ કહે છે, એક વાત અમે સ્પષ્ટ કરી દેવા માગીએ છીએ કે આ બિલબોર્ડ્સ કોઈ વ્યક્તિગત સ્તરના કે સંસ્થાકીય સ્તરના નથી. આ જીવન મારું કે આપણું નથી. એ બીજા લોકો વિશેનું પણ નથી. આને માટે તમારે ખૂબ ઊંચું વિચારવું પડે અને ખૂબ ઊંચું લક્ષ કેન્દ્રિત કરવું પડે. મારે મન આ લક્ષ હિન્દુત્વનો પાયો ગણાતા સનાતન ધર્મની સકારાત્મક ભાવના તથા ઊર્જાની આપણી આસપાસની દુનિયામાં વહેંચણી કરવાનો છે.
દિવાળીના તહેવારના જુસ્સાને ધ્યાનમાં રાખીને આ બિલબોર્ડ્સ ઓક્ટોબર મહિનામાં જ મૂકાવવાનું જરૂરી હતું. તેથી આ બંને મહિલા ઝડપથી અને કુશળતાપૂર્વક કામે લાગી ગઈ હતી. એમણે એવા લોકેશન્સ પસંદ કર્યા જે મહત્ત્વના હોય અને જ્યાંથી બિલબોર્ડ દૂરથી પણ એકદમ બરાબર નજરે પડે. બિલબોર્ડને લગતી અનેક કંપનીઓ સાથે એમણે વાટાઘાટ કરી. આખરે અગ્રગણ્ય બિલબોર્ડ કંપની ‘ક્લીયર ચેનલ’ને આ કામ આપવાનું નક્કી કર્યું. ડો. વ્યાસે પ્રાઈમ સ્પોટ તરીકે I-45 (ઈન્ટરસ્ટેટ-45 હાઈવે)ને પસંદ કર્યો જે હ્યુસ્ટનવાસીઓમાં ગલ્ફ ફ્રીવે તરીકે જાણીતો છે અને જ્યાં સપ્તાહમાં 8,50,000 ઈમ્પ્રેશન્સ મળે. આ હાઈવે હ્યુસ્ટનના કેન્દ્રભાગ, NASA અને ગેલવેસ્ટનને જોડે છે. તે ગેલવેસ્ટન કોઝવેથી લઈને ગલ્ફ ઓફ મેક્સિકો સુધી જાય છે. બિલબોર્ડ મૂકવા માટે બીજું લોકેશન પસંદ કરાયું, I-69 સાઉથવેસ્ટ ફ્રીવે – જ્યાંથી 8 લાખ ઈમ્પ્રેશન્સ મળે. I-45 દક્ષિણ બાજુ માટે ઓમની પ્રારંભિક ડિઝાઈન પરિકલ્પના ડો. કુસુમ વ્યાસે તૈયાર કરી હતી. બાદમાં મંથન કર્યા બાદ એમાં ‘સેલીબ્રેટ હિન્દુઈઝમ’ (હિન્દુત્વની સરાહના કરો) તથા ‘Pure Unconditional Love for All Living Creatures’ (સમગ્ર જીવસૃષ્ટિ માટે શુદ્ધ બિનશરતી પ્રેમ) અવતરણો મૂકવામાં આવ્યા જે ઋગવેદમાં જણાવવામાં આવ્યા છે. ક્લીયર ચેનલના ક્રીએટિવ વિભાગના કર્મચારીઓની કલાત્મક ક્ષમતા, રંગોની યોગ્ય પસંદગી, પ્રતીકોની ઉચિત જગ્યાએ ગોઠવણીએ આ બિલબોર્ડ્સને ઉત્કૃષ્ટ કૃતિ બનાવી દીધા, જે વિશે આખા હ્યુસ્ટન અને અમેરિકાભરના હિન્દુઓમાં ચર્ચાનો વિષય બન્યા છે.
ડો. કુસુમ વ્યાસનો જન્મ નાઈરોબીમાં થયો હતો અને ઉછેર કમ્પાલામાં થયો હતો. એ નાઈરોબી અને ટેક્સાસની A&M યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયાં છે અને ઈન્ડોનેશિયાના બાલીસ્થિત યુનિવર્સિટીનાં આંતરરાષ્ટ્રીય મુલાકાતી પ્રોફેસર છે. તો ગ્રીન કુંભ મૂવમેન્ટ અને લાઈવિંગ પ્લેનેટ ફાઉન્ડેશનનાં ‘જ્ઞાન’ ઉપક્રમનાં સ્થાપક છે. ડો. વીણા અંબરદાર NASA જોન્સન સ્પેસ સેન્ટરનાં સિનિયર એન્જિનિયરિંગ સ્પેશિયાલિસ્ટ/સાયન્ટિસ્ટ (નિવૃત્ત) છે.