મુંદ્રા પછી દ્વારકામાંથી રૂ. 350 કરોડનું ડ્રગ્સ પકડાયું

અમદાવાદઃ ગુજરાત ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની રહ્યું છે. રાજ્યના દરિયા માર્ગેથી ઘુસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો પકડવામાં આવ્યો છે. કચ્છના મુન્દ્રામાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકાના ખંભાળિયામાંથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. ખંભાળિયાથી રૂ. 350 કરોડનું 66 કિલો ડ્રગ્સ સાથે રાજસ્થાની શખસની પોલીસે ધરપકડ કરી છે. ATS, LCB અને SOGની ટીમે સંયુક્ત રીતે આ ઓપરેશન હાથ ધર્યું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર આ ડ્રગ્સનો જથ્થો 66 કિલો છે, જેમાં 16 કિલો હેરોઇન છે, જ્યારે 50 કિલો MD ડ્રગ્સ છે. દેવભૂમિ દ્વારકાના આરાધના ધામમાં ઝડપાયેલા આ ડ્રગ્સની કિંમત આંતરરાષ્ટ્રી બજારમાં કરોડોની થાય છે. દેવભૂમિ દ્વારકાના SP સુનીલ જોશીએ આ વિશે માહિતી આપી છે. વાડીનાર નજીકથી એક આરોપીને 14 થી 15 કિલો ડ્રગ્સ સાથે આંતરી લેવામાં આવ્યો છે. જેની બજાર કિંમત રૂપિયા 70 કરોડ હોવાનું SPએ જણાવ્યું હતું.

કચ્છના મુંદ્રા બંદરેથી થોડા દિવસો પહેલાં અંદાજે રૂપિયા 21,000 કરોડથી વધુની કિંમતના ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો હતો. આ ડ્રગ્સ પાઉડરની આડમાં આ જથ્થો છુપાવાયો હોવાનું સામે આવ્યું હતું. મુન્દ્રા પોર્ટ પર ડિરેક્ટર ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સે કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં બે કન્ટેનરમાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.

સુરતમાંથી રૂ. 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું

સુરતમાંથી રૂ. 5.85 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું છે, જેમાં પ્રવીણ બિસનોઈ નામની વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ છેક રાજસ્થાનથી સુરત લાવવામાં આવ્યું હતું. આ ઘટનામાં પોલીસે એક વ્યક્તિને ભાગેડુ પણ જાહેર કર્યો છે.