ગાંધીનગર-વાહનોમાં હાઇ સીક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ-HSRP ફીટ કરાવવાની મુદતમાં એક મહિનાનો વધારો કરવામાં આવ્યો છે. હવે વાહનચાલકોએ 15 ફેબ્રુઆરી 2018 સુધીમાં પોતાના વાહનોમાં હાઇ સીક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવી લેવાની રહેશે. સીએમ રુપાણીએ કામગીરીની સમીક્ષા કરતાં ઉચ્ચસ્તરીય સમીક્ષા પછી આ નિર્ણય જાહેર કર્યો છે.
વાહનવ્યવહાર વિભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક પછી વાહનવ્યવહાર કમિશનરે જણાવ્યું હતું કે, રાજ્યના તમામ જિલ્લાઓમાં આરટીઓ. કચેરીઓ તથા ડીલરોના વિશાળ નેટવર્ક દ્વારા હાઇ સીક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. વાહન ચાલકોએ આવી નંબરપ્લેટ ફીટ કરાવવા માટે ધસારો થયો છે. આવી સ્થિતિમાં નાગરિકોને હાલાકી ન પડે અને આવી સ્થિતિમાં નાગરિકો લેભાગુ તત્વોનો ભોગ બનીને આર્થિક નુકશાન ન કરે એ હેતુથી મુદત એક મહિનો લંબાવીને ૧૫મી ફેબ્રુઆરી ૨૦૧૮ કરવામાં આવી છે.
આર.ટી.ઓ.કચેરી ઉપરાંત હાઇ સીક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ કરાવવા માટે વાહન ડીલરો પાસે પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સરકારે નક્કી કરેલો સર્વિસ ચાર્જ-દ્વિચક્રીય અને ત્રિચક્રીય વાહનો માટે ૮૯ રુપિયા અને ચાર પૈડાંવાળા તથા ભારે વાહનો માટે રૂા.૧૫૦/- નો વધારાનો સર્વિસ ચાર્જ ભરીને વાહનચાલકો ડીલરો પાસેથી આવી નંબર પ્લેટ ફીટ કરાવી શકે છે. કેટલાક વાહન ડીલરો નાગરિકોની જરૂરિયાતનો ગેરલાભ ઉઠાવીને બેફામ ચાર્જ વસૂલી રહ્યા છે. વાહન વ્યવહાર કમિશનરશ્રીએ આવા ડીલરો અને લેભાગુ તત્વોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે, બેફામ ચાર્જ વસુલતા ડીલરો અને લેભાગુ તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી કરાશે એટલું જ નહીં તેમની ડીલરશીપ કેન્સલ કરવા સુધીની પણ કાર્યવાહી થઇ શકે છે. આવી પ્રવૃતિ તાત્કાલિક બંધ કરવા તાકીદ કરવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ તમામ વાહનોમાં હાઇ સીક્યુરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ ફીટ કરાવવી ફરજિયાત છે. આગામી ૨૨મી જાન્યુઆરીએ નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ સુનાવણી છે તેમાં જે આદેશ આપશે એ મુજબ રાજ્યમાં કાયદા મુજબ પગલાં લેવાશે. પરન્તુ નાગરિકોને ગંભીરતાપૂર્વક આ નિયમનું પાલન કરીને પોતાના વાહનોમાં હાઇ સિક્યુરીટી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ સત્વરે ફીટ કરાવી લેવા સરકારે અનુરોધ કર્યો છે.