ભારે વરસાદથી તારાજીઃ દીવાલ ધસતાં ત્રણ મજૂરોનાં મોત

અમદાવાદઃ રાજ્યના અનેક ભાગોમાં ફરી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ સહિત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે પોરો ખાધા પછી ફરી વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદે અનેક વિસ્તારોમાં તારાજી સર્જી છે. વલસાડમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. કોસંબા ગામ જળબંબોળ થયું છે.

ચીખલી-વલસાડ હાઇવે કામચલાઉ ધોરણે બંધ કરવામાં આવ્યો છે. ભારે વરસાદને કારણે નેશનલ હાઈવે 48 બંધ કરવામાં આવ્યો છે. પૂરને કારણે અંતરિયાળ વિસ્તારના 84 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે શહેરી વિસ્તારમાં નવ અને રાજ્યના બે હાઇવે પણ બંધ કરવામાં આવ્યા છે.

દક્ષિણ ગુજરાતમાં પૂર્ણા તેમજ અંબિકા નદીનું જળસ્તર પણ ખતરાના નિશાનની ઉપરથી વહી રહ્યું છે. પૂર્ણા નદી ભયજનક સપાટીથી ઉપર પહોંચી જતાં અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

બીજી બાજુ શહેરમાં ભારે વરસાદની વચ્ચે ઓગણજમાં અન્ડરકન્સ્ટ્રક્શન બિલ્ડિંગની દીવાલ ધસી પડતાં પાંચ મજૂરો દટાયા હતા. મજૂરોએ વરસાદથી બચવા માટે દીવાલનો સહારો લીધો હતો. જે બાદ ધોધમાર વરસાદને કારણે આ દીવાલ ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં ત્રણ શ્રમિકોનાં મોત થયાં છે. અને બે મજૂરોને ઇજા થઈ છે. આ મજૂરોને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી હતી. અમદાવાદમાં સવારથી અત્યાર સુધી એકથી દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.

હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપી છે.