અમદાવાદઃ વિશ્વભરમાં હાલ ગ્લોબલ વોર્મિંગને લીધે મોસમનો મિજાજ બગડેલો છે. ક્યાંક લોકો પૂરથી તો ક્યાંક અતિવૃષ્ટિથી પરેશાન છે. ભારતીય હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાત, મહારાષ્ટ્ર સહિત છ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત હવામાન વિભાગે આ મહિનામાં 20 પછી બંગાળની ખાડીમાં વાવાઝોડાની આશંકા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યમાં આગામી ચાર દિવસ વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમ જ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. સુરત, ભરૂચ, વડોદરા અને આણંદમાં અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ પણ ભારે વરસાદ વરસે એવી શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યાનુસાર રાજ્યમાં ચોમાસું હજી પૂરું થયું નથી, જેથી પાછોતરા વરસાદની શક્યતાઓ છે. અને મોન્સુન વિથડ્રોઅલની એક્ટિવિટી પણ ઓક્ટોબરના પ્રારંભમાં થાય એવી શક્યતા છે. જેથી વરસાદ નવરાત્રિમાં ખેલૈયાના રંગમાં ભંગ પાડે એવી શક્યતાઓ છે.
રાજ્યના હવામાન વિભાગનાં ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચોમાસું સક્રિય છે એ સિસ્ટમ પૂર્ણ થતાં હજી એક સપ્તાહ લાગશે. ત્યાર બાદ સપ્ટેમ્બરના અંત તથા ઓક્ટોબરના આરંભમાં વરસાદ પડે એવી સંભાવના છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 219 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં 30 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જ્યારે ભાવનગરના મહુવામાં પાંચ ઇંચ, અમરેલી અને કુતિયાણામાં પાંચ ઈંચ વરસાદ અને જૂનાગઢના વિસાવદરમાં ચાર ઇંચથી વરસાદ પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. સાંજે 6 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટી સીઝનમાં પ્રથમવાર 137.76 મીટરે પહોંચી છે. 24 કલાકમાં પાણીની સપાટી 24 સે.મી. વધી છે. મહત્તમ સપાટી – 138.68 મીટર છે.
