અમદાવાદઃ રાજ્ય પર અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સ્થિતિ બની છે, જેને લીધે આગામી પાંચ દિવસ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. માછીમારોને પણ આગામી દિવસોમાં દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. એ સાથે 40-45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે, એમ હવામાન વિભાગના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું.
રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદ થવાની શક્યતાઓ છે, જેને કારણે દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાઈ પટ્ટી વિસ્તારમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. આ સાથે અમદાવાદમાં પણ ભારે વરસાદની સંભાવના આગામી પાંચ દિવસની આગાહીમાં વ્યક્ત કરવામાં આવી છે.એમ તેમણે જણાવ્યું હતું.
રાજ્યમાં 25 જૂને ચોમાસું બેઠું ત્યારથી સતત વરસાદ ચાલુ છે. હજુ પહેલો રાઉન્ડ પૂર્ણ થયો નથી, ત્યાં બીજો રાઉન્ડ શરૂ થશે. ભારે વરસાદના પગલે નદીનાળાં છલકાયાં હતાં અને મોટા ભાગના ડેમ પણ ઓવરફ્લો થઈ ગયા છે.
રાજ્યમાં સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પાલ, અડાજણ, રાંદેર, રિંગરોડ અને વરાછા સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. સુરતમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો હતો. રાજ્યમાં સાત અને 8 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસશે.
દક્ષિણ ગુજરાતમાં વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, ગીર સોમનાથ, મોરબી, ડાંગ અને નવસારી સહિતના વિસ્તારમાં ભારે વરસાદ રહેશે. રાજ્યમાં સીઝનના 35 ઇંચની સરેરાશ સામે જૂનમાં પોણા 10 ઇંચ વરસાદ વરસ્યો છે. સારા વરસાદને પગલે એક મહિનામાં 97,966 કરોડ લિટર પાણી જળાશયોમાં સંગ્રહિત થઇ ચૂક્યું છે. રાજ્યના 251 તાલુકા પૈકી 112 તાલુકામાં સીઝનનો 25 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી 122.52 મીટર પર પહોંચી છે. નર્મદા ડેમની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે, જ્યારે 121.92 મીટરથી દરવાજા મૂકવામાં આવ્યા છે.