અમદાવાદઃ રાજ્યમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે ખાસ કરીને અમદાવાદ અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને ગાંધીનગરમાં રેડ એલર્ડની જાહેર કર્યું છે. માછીમારોને આગામી ત્રણ દિવસ માટે દરિયામાં ન જવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા 23 જુલીથી 27 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે જુલાઈમાં દક્ષિણ ગુજરાત અને કચ્છમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 50 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે, પરંતુ હવે વરસાદના બીજા રાઉન્ડમાં મેઘરાજા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળશે.
રાજ્યના કચ્છ બાજુના દરિયામાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તાર તેમ જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. કચ્છમાં પણ ભારે વરસાદની ધારણા છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, નવસારી, વલસાડ, સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 50 જળાશય હાઇએલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. અત્યાર સુધી ગુજરાતમાં સરેરાશ 60 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં 206 જળાશયોમાંથી 50 જળાશયો 90 ટકાથી વધુ ભરાયાં છે તેમને હાઈએલર્ટ પર રાખવામાં આવ્યાં છે, જ્યારે 10 જળાશય 80થી 90 ટકા સુધી ભરાતાં તેમને એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. 14 જળાશયમાં 70થી 80 ટકા પાણીનો જથ્થો છે તેમ જ 132 જળાશયમાં 70 ટકાથી ઓછું પાણી છે.