શાહ રાજ્યના પ્રવાસેઃ રૂ. 200 કરોડનાં વિકાસકાર્યોનું ઉદઘાટન કરશે

ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસની ગુજરાત મુલાકાતે  છે. તેઓ AMC અને AUDAના રૂ. 150થી 200 કરોડના વિકાસના કામોનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે.

તેમણે E-FIR સેવાનો પ્રારંભ કરાવ્યો હતો. આ ઉપરાંત વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ‘ત્રિનેત્ર’ યુનિટનું પણ ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમને સંબોધતાં તેમણે કહ્યું હતું કે નરેન્દ્રભાઇના દૂરદર્શી નિર્ણયોથી ગુજરાતનો વિકાસ થયો છે. પોલીસ આધુનિક અને ટેક્નોસેવી બની છે. પોલીસ સંવેદનશીલ પણ બની છે. દેશના 96 ટકા પોલીસ સ્ટેશનને ઓનલાઇન કરવાનું કામ કરવામાં આવ્યું છે, એમ તેમણે કહ્યું હતું. તેમણે કહ્યું કે ગુજરાત પોલીસની ગાથા પુસ્તક લખવા જેવી છે. ટૂંકા ગાળામાં ગુજરાત પોલીસમાં ઘણો ફેરફાર થયો છે. પોરબંદરનો દરિયાકાંઠો દાણચોરીથી ધમધમતો હતો. દાણચોરી કરવાની ચેનલો બંધ થઈ ગઈ છે.

તેઓ બપોર બાદ માણસામાં મહાત્મા ગાંધી પુસ્તકાલયના નવનિર્મિત ભવનનું ઉદઘાટન કરશે. એ પછી તેઓ માણસા નગરપાલિકા દ્વારા નવનિર્મિત સરદાર પટેલ સાંસ્કૃતિક ભવનનું ઉદઘાટન અને અન્ય વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે. ત્યાર બાદ તેઓ માણસાની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેશે અને એ પછી તેઓ ચંદ્રાસર તળાવની મુલાકાત લેશે.

આવતી કાલે સવારે તેઓ પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવની ઉજવણીના ભાગરૂપે એસપી રિંગ રોડ પર આવેલા શતાબ્દી ગ્રાઉન્ડમાં પ્રમુખસ્વામી નગરના કળશ સ્થાપના વિધિના કાર્યક્રમમાં હાજરી આપશે અને ઓગણજમા ઔડા દ્વારા વૃક્ષારોપણના કાર્યક્રમમાં હાજરી આપશે.  વંદે ગુજરાત વિકાસ યાત્રા અન્વયે બનાવવામાં આવેલા એફોર્ડેબલ હાઉસિંગનું લોકાર્પણ આવતી કાલે તેમને હસ્તે અમદાવાદમાં કરવામાં આવશે.