વલસાડ જિલ્લામાં 5-7 મે, 2025 દરમિયાન થયેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે ખેતી અને બાગાયતી પાકો, ખાસ કરીને કેરીના પાકને ભારે નુકસાન થયું છે. વલસાડ જિલ્લો ગુજરાતના મુખ્ય કેરી ઉત્પાદક વિસ્તારોમાંનો એક છે, જ્યાં 38,000 હેક્ટર જમીનમાં આંબાવાડીઓ આવેલી છે. આ વર્ષે મે મહિનામાં હાર્વેસ્ટિંગની શરૂઆતમાં જ ભારે પવન અને વરસાદે 7,000 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીના પાકને નુકસાન પહોંચાડ્યું છે.
વલસાડ જિલ્લા કલેક્ટરના આદેશ પર બાગાયત વિભાગ અને ખેતીવાડી વિભાગ દ્વારા નુકસાનના આકલન માટે સર્વે શરૂ કરવામાં આવ્યો છે. આ સર્વેમાં 16 ટીમો દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી, જેમાંથી 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. સર્વેમાં જાણવા મળ્યું છે કે 20 ગામોના ખેડૂતોને નુકસાન થયું છે, ખાસ કરીને ધરમપુર અને કપરાડા તાલુકાઓમાં સૌથી વધુ અસર જોવા મળી. સૂત્રોની જાણકારી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં લગભગ 30-35 ટકા કેરીનો પાક નાશ પામ્યો છે, જેમાં વલસાડમાં 40-50 ટકા સુધીનું નુકસાન નોંધાયું છે. ખેડૂતોએ સારા ઉત્પાદનની અપેક્ષામાં લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું, પરંતુ હવે ખરી પડેલી કેરીઓનું બજારમૂલ્ય ઘટીને રૂ. 350-400 પ્રતિ ટન જેટલું થઈ ગયું છે, જે સામાન્ય રીતે રૂ. 1,600 પ્રતિ ટન હોય છે.
સર્વે પૂર્ણ થયા બાદ, નુકસાનનો અંતિમ અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ત્યારે બીજી બાજુ, ગીર સોમનાથ જિલ્લામાં પણ કમોસમી વરસાદે ઉનાળુ પાકો, ખાસ કરીને કેરી, શાકભાજી, અને અન્ય બાગાયતી પાકોને નુકસાન પહોંચાડ્યું છે. તાલાલા અને ઉના તાલુકાઓમાં, જ્યાં કેસર કેરીનું ઉત્પાદન મોટા પાયે થાય છે, ત્યાં ખેડૂતોને નોંધપાત્ર આર્થિક નુકસાન થયું છે. વરસાદ અને પવનને કારણે પાકેલા ફળો ખરી પડ્યા, અને ખેતરોમાં પાણી ભરાવાને કારણે શાકભાજી અને અન્ય પાકો બગડ્યા. આ નુકસાનથી ખેડૂતોની આવકમાં 50 ટકા સુધીનો ઘટાડો થવાની શક્યતા છે. ખેડૂતોએ ઉનાળુ પાકો માટે ખાતર, બિયારણ, અને સિંચાઈમાં મોટું રોકાણ કર્યું હતું, પરંતુ હવે બગડેલા પાકોને બજારમાં ઓછી કિંમતે વેચવાની ફરજ પડી રહી છે. ગીર સોમનાથમાં પણ ખેતીવાડી અને બાગાયત વિભાગ દ્વારા નુકસાનનું આકલન કરવા સર્વે શરૂ કરવામાં આવ્યો છે. સ્થાનિક અધિકારીઓ અને ગ્રામ સેવકોની ટીમો ગામોમાં જઈને ખેડૂતોના નુકસાનની નોંધ લઈ રહી છે. સર્વેનો અહેવાલ તૈયાર થયા બાદ, રાજ્ય સરકાર દ્વારા વળતર અને વીમા યોજના હેઠળ નાણાકીય સહાય આપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
