અમદાવાદા: ગુજરાતમાં અંગદઝાડતી ગરમીનો પ્રકોપ યથાવત્ જોવા મળી રહ્યો છે. રાજ્યાના 8 જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોંધવામાં આવ્યો હતો. હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે, રાજકોટમાં સૌથી વધુ 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જ્યારે સુરેન્દ્રનગર પણ આટલું જ ગરમ રહ્યું. રાત્રિના સમયે પણ ગરમ પવનો ફૂંકાતા રાહત મળવાને બદલે ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ (26-28 એપ્રિલ) ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની આગાહી કરી છે, જેનાથી તાપમાન 1-2 ડિગ્રી વધી શકે છે.
હવામાન વિભાગના આંકડા મુજબ, અમદાવાદમાં 41.7 ડિગ્રી, ગાંધીનગરમાં 40.8 ડિગ્રી, ડીસામાં 40.5 ડિગ્રી, ભુજમાં 41.5 ડિગ્રી, કંડલા એરપોર્ટ પર 42 ડિગ્રી, અમરેલીમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.8 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 39.7 ડિગ્રી અને વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યના 10થી વધુ વિસ્તારોમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની શક્યતા છે. ઉત્તરથી પૂર્વના પવનો ગરમીનું જોર વધારશે, જેનાથી લોકોને વધુ અગવડતાનો સામનો કરવો પડશે. સ્કાયમેટના જણાવ્યા મુજબ, ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજે ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે. જોકે, 26થી 28 એપ્રિલ દરમિયાન હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતના કેટલાક ભાગોમાં 25થી 30 એપ્રિલ દરમિયાન શુષ્ક વાતાવરણ સાથે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
