અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા અમદાવાદમાં ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર આગામી 5 દિવસ સુધી રાજ્યમાં 42 ડિગ્રી જેટલી ગરમી પડે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. ત્યારે આમ પણ છેલ્લાં કેટલાક દિવસથી ગરમીથી શેકાતા અમદાવાદીઓ માટે આ સમાચાર વધુ પરેશાન કરનાર સમાચાર ગણી શકાય.
દરિયામાં તેજ પવન ફૂંકાવાની સાથે જ હવામાન વિભાગે અમદાવાદ સહિત રાજ્યભર માટે આ આગાહી કરી છે. હવામાન વિભાગ દ્વારા માછીમારોને 26થી 28 સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
પવનોની ગતિ તેજ હોવાના કારણે આ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતના દરિયા કિનારામાં તેજ પવનથી પવનો ફૂંકાશે. દરિયા કિનારે 40થી 45 કિમીની ઝડપે પવન ફૂંકાશે.
જેથી આગામી 26, 27, 28 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. સાથે આગામી 5 દિવસ વરસાદની કોઈ આગાહી કરવામાં આવી નથી. પરંતુ 42 ડિગ્રી તાપમાનમાં અમદાવાદ બરાબરનું શેકાશે.
મહત્વનું છે કે થોડા દિવસ સુધી રાજ્યમાં કમોસમી વરસાદનો માહોલ રહ્યો પરંતુ બાદમાં ગરમીએ પોતાનું જોર પકડ્યું છે. ત્યારે પહેલાંથી જ ગરમીથી શેકાતા લોકો માટે આ સમાચાર વધુએક માઠા સમાચાર કહી શકાય.