ગુજરાતમાં વધશે ગરમીનું જોર, જાણો હવામાન વિભાગની આગાહી

ગુજરાતમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીએ લોકોને હેરાન કર્યા છે. રવિવારે રાજકોટમાં તાપમાન 42.7 ડિગ્રીએ પહોંચતાં શહેર અગનભઠ્ઠી બની ગયું હતું, જ્યારે સુરેન્દ્રનગરમાં 42.3, અમદાવાદમાં 41.6, અમરેલીમાં 42.0 અને ભુજમાં 40.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. છેલ્લા બે-ત્રણ દિવસથી વાતાવરણમાં ફેરફારને કારણે તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થયો હતો, જેનાથી રાજ્યના લોકોને થોડી રાહત મળી હતી.

હવામાન વિભાગે 15 એપ્રિલથી રાજ્યમાં ફરી હીટવેવની ચેતવણી જાહેર કરી છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને રાજકોટમાં આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધુ તીવ્ર બનવાની શક્યતા છે. આજે અમદાવાદ અને રાજકોટમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી, અમરેલી, ડીસા અને ભુજમાં 41 ડિગ્રી, વડોદરા અને ભાવનગરમાં 40 ડિગ્રી, સુરતમાં 36 ડિગ્રી અને પોરબંદરમાં 34 ડિગ્રી રહેવાની આગાહી છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.

આ ગરમીના કારણે લોકોને બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. હવામાન વિભાગે નાગરિકોને પૂરતું પાણી પીવા, હળવા કપડાં પહેરવા અને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે. આગામી દિવસોમાં ગરમીનો પારો વધુ ઊંચો જશે તેવી ચેતવણીને ધ્યાનમાં રાખીને લોકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.