ગુજરાતમાં ગરમીનું જોર વધશે! જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

અમદાવાદ: રાજ્યમાં પાછલા ઘણા સમયથી વાતાવરણે વિચિત્ર સ્વરૂપ ધારણ કર્યું છે. એક તરફ વરસાદની શક્યતા છે, તો બીજી તરફ ગરમીનો પારો ઊંચો જઈ રહ્યો છે. હવામાન વિભાગે આગામી 8 એપ્રિલ, 2025 સુધી રાજ્યમાં હીટવેવની સ્થિતિને ધ્યાને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત હવામાન રહેવાની શક્યતા છે.

આજે, બુધવાર 2 એપ્રિલના રોજ હવામાન વિભાગે મધ્ય અને દક્ષિણ ગુજરાતના 10 જિલ્લાઓમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. આ સાથે આવતીકાલથી એટલે કે, 3 એપ્રિલથી 5 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હીટવેવનો અનુભવ થવાની પણ આગાહી વ્યક્ત કરી છે. આ દરમિયાન કચ્છ, રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં યલો એલર્ટ, જ્યારે પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, 6, 7 અને 8 એપ્રિલ દરમિયાન રાજ્યમાં ગરમીનું જોર વધશે. આ દિવસોમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના આઠ જિલ્લાઓમાં હીટવેવની આગાહી છે. ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા તેમજ સૌરાષ્ટ્રના મોરબી અને જૂનાગઢમાં યલો એલર્ટ, જ્યારે કચ્છ, રાજકોટ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન તાપમાનનો પારો ઊંચો રહેવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે, પાછલા 24 કલાકમાં સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત ભુજ, કંડલા એરપોર્ટ, ડીસા, ગાંધીનગર, અમદાવાદ, મહુવા, અમરેલી, રાજકોટ અને કેશોદમાં પણ તાપમાન 40 ડિગ્રીથી ઉપર રહ્યું છે. આગામી દિવસોમાં ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા સાથે લોકોને સાવચેત રહેવા અપીલ કરાઈ છે.