અમદાવાદ: ગુજરાતમાં નવરાત્રિના તહેવાપની ધૂમ ચાલી રહી છે. ત્યારે ખેલૈયાના મન એક પ્રશ્ન છે કે શું તહેવાર સમયે વરસાદ વિધ્ન બનશે? આ વચ્ચે હવામાન વિભાગે ખેલૈયાઓ માટે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગ પ્રમાણે નવરાત્રિમાં વરસાદની સંભાવના નહિવત છે. કોઈ પણ જગ્યાએ રાજયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. પરંતુ આવનારા ત્રણ દિવસોમાં ગરમીનો પારો ઊંચકાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ગુજરાત રાજયમાં એક પણ વરસાદી સિસ્ટમ સક્રિય બની નથી જે રાહતના સમાચાર છે.
હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. જેમાં સુરત,વલસાડ,નવસારીમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે. આવાનારા દિવસોમાં ચોમાસું વિદાય લેશે તેમજ અમદાવાદમાં એક સપ્તાહમાં 33થી 35 ડિગ્રી સુધી ગરમી પડવાની સંભાવના દેખાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલ ભેજવાળું વાતાવરણ હોવાથી ગરમી પડી શકે છે. આ ઉપરાંત આજે ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
આ વર્ષે ગુજરાતના અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.